Mysamachar.in-ગાંધીનગર:
ગઈકાલ નવ ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ હતો અને આ દિવસે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે એક વિશેષ સમારોહ યોજાયો જેમાં મુખ્યમંત્રી, ઉપ મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા, આ સમારોહમાં એ.સી.બી.માં ઉત્તમ કામગીરી કરનારા 10 જેટલા કર્મચારીઓ-અધિકારીઓનું સન્માન કર્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, હક્ક બહારનું લેવાય જ નહીં એવી જે આપણી સંસ્કાર વિરાસત છે તેને પણ જાળવી રાખીએ અને આપણા કાર્યમાંથી જ આત્મસંતોષ શોધીએ. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ભ્રષ્ટાચાર કોઈ રીતે ચલાવી લેવાય જ નહીં એવી ઝીરો ટોલરન્સની પ્રતિબદ્ધતા સાથે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના નિર્માણ માટે એ.સી.બી. કડકાઈથી પેશ આવે તે આવશ્યક છે.
મુખ્યમંત્રીએ એ.સી.બી.એ ભ્રષ્ટાચારીઓને નશ્યત કરવાની જે સારી કામગીરી કરી છે તેને બિરદાવતા કહ્યું કે, એ.સી.બી.ની એવી કડક અને સતર્ક છાપ ઊભી કરીએ કે ખોટું કરનારાને સતત ભય રહે કે ખોટું થાય જ નહીં. આના પરિણામે ભ્રષ્ટાચાર અટકશે અને ગુજરાતની વિકાસયાત્રાને નવી ગતિ મળશે.
ગુજરાતની એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે કોઈ પણ પ્રકારના ક્લાસ, કેડર કે અધિકારી લેવલ જોયા વિના એટલે કે માત્ર નાના લોકોને જ નહીં, પણ વહીવટી તંત્રના ઉચ્ચ પદે બેઠેલા ભ્રષ્ટાચારીઓને પણ પકડીને ખંતપૂર્વક કડક કાર્યવાહી કરી છે.પાછલા ત્રણ વર્ષમાં, 34 ક્લાસ-વન અને 98 ક્લાસ-ટુ અધિકારીઓ સામે ટ્રેપ ગોઠવીને કરપ્શનના કેસ દાખલ કર્યા છે.
ચાલુ વર્ષે 194 કેસ દાખલ કરવામાં આવ્યા છે અને 277 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં ચાલેલા ઓપરેશન ગંગાજળને ટાંકીને હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ આક્રમકતા અને ઝીરો ટોલરન્સની નીતિથી મુખ્યમંત્રી ખૂબ મક્કમતાથી પગલાં લઈ રહ્યા છે. ફરજિયાત રિટાયરમેન્ટના ઐતિહાસિક આંકડા તેના સાક્ષી છે.


