Mysamachar.in-રાજકોટ:
રાજકોટની એક ફાઇનાન્સ કંપનીના બ્રાંચ મેનેજર સહિતના 3 કર્મચારીઓએ મેળાપીપણું કરીને, ખોટા દસ્તાવેજોના આધારે કેટલાંક લોકોને લોન અપાવી, પોતાની જ કંપનીને શીશામાં ઉતારી, કંપની સાથે રૂ. 4.13 કરોડની છેતરપિંડી કરી. આ મામલામાં આ રીતે લોન્સ મેળવી લેનારાઓમાં રાજકોટ ઉપરાંત જામનગરના પણ 3 વેપારીઓનો સમાવેશ થાય છે.
રાજકોટ પોલીસે 28 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. જે પૈકી 8ની આકરી પૂછપરછ શરૂ કરી. મેનેજરનું નામ હિતેન્દ્રસિંહ સુખદેવસિંહ ઝાલા છે. જામનગરના 3 વેપારીઓના નામો જગદીશ છગનભાઈ ચૌહાણ, ચિરાગ ભરતભાઇ ધારવિયા અને વિનોદ નાનજીભાઈ ધારવિયા છે. પોલીસે તમામ 8 આરોપીઓને અદાલતમાં રજૂ કર્યા હતાં. અદાલતે આઠેયના 6 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જામનગરના 3 આરોપીઓનો છેતરપિંડીનો આંકડો રૂ. 1.15 કરોડ છે.