Mysamachar.in:અમદાવાદ:
ગુજરાત સહિતના કેટલાંક રાજ્યોમાં તાજેતરમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિઓને કારણે વ્યાપક ખાનાખરાબી થઈ હોય, કેન્દ્રીય મંત્રીઓની ટીમ ગુજરાતની પણ મુલાકાત લેનાર હોવાનું જાણવા મળેલ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ માટે પ્રધાનોની એક ટીમનું ગઠન કર્યું છે. ગૃહ મંત્રાલયના સૂત્ર કહે છે: 25 થી 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો અને કેટલાંક જિલ્લાઓમાં પૂર પણ આવ્યા હતાં અને વ્યાપક નુકસાન પણ થયું છે. આથી નુકસાનનો ખરો તાગ મેળવવા કેન્દ્રીય મંત્રીઓની ટીમ નજીકના દિવસોમાં ગુજરાતની મુલાકાત લેશે અને બધી અસરોનું એસેસમેન્ટ કરશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગત્ મહિને આખરી સપ્તાહમાં વડોદરા-જામનગરમાં પૂરની સ્થિતિઓ અને જામનગર તથા દ્વારકા સહિતના કેટલાંક જિલ્લાઓમાં મૂશળધાર અને વિક્રમી વરસાદ નોંધાયો હતો. લાખો લોકોએ નુકસાન સહન કરવું પડ્યું છે. કૃષિ ક્ષેત્રમાં પણ મોટી ખાનાખરાબી થઈ છે અને નોંધપાત્ર સહાયની માંગ પણ ઉઠી છે. દરમિયાન, એવું જાણવા મળેલ છે કે, નેશનલ ઈન્સ્ટીટયૂટ ઑફ ડીઝાસ્ટર મેનેજમેન્ટના દિલ્હીસ્થિત એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના વડપણ હેઠળ કેન્દ્રીય મંત્રીઓની ટીમ ગુજરાત મુલાકાતે આવી રહી છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાને ટાંકીને એમ પણ કહેવાયું છે કે, વડાપ્રધાન કાર્યાલય બધાં જ રાજ્યો પર નજર રાખી રહ્યું છે અને તમામ અસરગ્રસ્ત વિસ્તારોને શક્ય મદદો પહોંચાડવામાં આવશે.