Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વના જુદા જુદા રોડના કામ માટે વધુ રૂ. 60 કરોડના ખર્ચને કેન્દ્ર સરકારની મંજુરી આપી હોઇ 12-જામનગર લોકસભા વિસ્તારના સંસદસભ્ય પૂનમબેન માડમે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને માર્ગ પરીવહન મંત્રી નિતિન ગડકરીનો આભાર વ્યક્ત કર્યો છે કેમકે હાલારના છેવાડા વિસ્તારની આ વિશેષ સુવિધાઓથી ખેડૂતો સહિત ગ્રામ્ય વિસ્તારના નાગરીકો, તાલુકા અને જીલ્લા કક્ષાના સહિત મુસાફરોને સાનુકુળતા થશે તેમજ રોજગાર, પર્યટન,વ્યવસાય વગેરેની નવી તકો ખુલશે.
સેન્ટ્રલ રોડ એન્ડ ઇન્ફાસ્ટ્રક્ચર ફંડ (CRIF) અંતર્ગત માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, ભારત સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓમાં મહત્વપૂર્ણ માર્ગ વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે, જેનાથી વિસ્તારના માર્ગ સંચાલન અને આવાગમનમાં નોંધપાત્ર સુધારો થશે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા-લાલપુર માર્ગનું રીસર્વેસિંગ તથા સ્ટ્રેન્થનિંગ કાર્ય માટે રૂ. 20 કરોડની ફાળવણી મંજૂર કરવામાં આવી છે.
જ્યારે જામનગર જિલ્લામાં જામજોધપુર-ગિંગાણી-સિદસર માર્ગ પર રીસફેસિંગ, રિઇન્ફોર્સમેન્ટ તથા રોડ ફર્નિચર સહિતના વિકાસ કાર્ય માટે રૂ. 14.50 કરોડની, ભાવાભી-ખિજડિયા-ખરેડી ડેરી માર્ગના રીસર્ફેસિંગ માટે રૂ. 7 કરોડની ફાળવણી. નિકાવા-નાના વડાળા ડેરી માર્ગના રીસફેસિંગ માટે રૂ. 7 કરોડની અને દરેડ-મસિતિયા-લાખાબાવળ માર્ગના વિસ્તરણ (વાઇડનિંગ) તથા સ્ટ્રેન્થનિંગ કાર્ય માટે રૂ. 19.50 કરોડની ફાળવણી મંજૂર કરવામાં આવી છે. આ તમામ માર્ગ વિકાસ કાર્યોથી સ્થાનિક જનતા, ખેડૂતો, ઉદ્યોગો તથા યાત્રિકોને વધુ સુરક્ષિત, સુવિધાજનક અને સમયની બચત સાથે પ્રવાસની સાનુકુળતાઓ વધશે તેમજ આ વિસ્તારના પ્રત્યક્ષ અને પરોક્ષ આર્થિક વિકાસને પણ ગતિ મળશે.


