Mysamachar.in-જામનગર:
ગુજરાત સહિત સમગ્ર દેશમાં વસતિ ગણતરી માટેની તૈયારીઓ થઈ રહી છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી અધિકારીઓને રોજેરોજ નવીનવી સૂચનાઓ આપવામાં આવી રહી છે. 2027માં આ કામગીરીઓ પૂરજોશમાં ચાલતી હશે. વર્તમાન વર્ષ 2026 દરમ્યાન આ માટે તંત્રો બધી જ તૈયારીઓ કરશે, સ્ટાફ ગોઠવશે, કર્મચારીઓની જવાબદારીઓ નક્કી કરશે, રૂટ નક્કી કરશે..વગેરે..વગેરે.
આ વસતિ ગણતરી દરમ્યાન પ્રથમ ઘર ગણતરી થશે. પછી વસતિ ગણતરી થશે. ઝૂંપડામાં રહેતાં લોકોને પણ યાદી પૂરતાં ઘરનંબર આપવામાં આવશે. એક એક પરિવારને અનેક પ્રશ્નો પૂછવામાં આવશે. જો કે તમારો પરિવાર તમારાં પરિવારના નિભાવ માટે રોજગારી ધરાવે છે કે કેમ અને દર મહિને તમારાં પરિવારની કુલ આવક કેટલી ? એ પ્રકારની જાણકારીઓ સરકાર એકત્ર કરશે નહીં. એ સિવાયના અનેક પ્રશ્નો તમને પૂછવામાં આવશે. તમારો પરિવાર કરજ-લોનમાં ડૂબેલો છે કે નહીં, એ તમને પૂછવામાં નહીં આવે. પરંતુ તમારાં ઝૂપડાં કે મકાન-બંગલામાં લેપટોપ કે ઈન્ટરનેટ છે કે નહીં, તેવા પ્રશ્નો ચોક્કસ પૂછવામાં આવશે. આગામી તા.31-12-2027 સુધી એક પણ નાનામોટાં શહેરની હદ વધારવામાં આવશે નહીં.
આ વસતિ ગણતરી દરમ્યાન તમને શું શું પૂછવામાં આવી શકે છે ?..
તમારાં ઘરનો નંબર, જનગણના મકાન નંબર, મકાનની હાલત અને તેનો ઉપયોગ, પરિવારના સભ્યોની સંખ્યા, પરિવારના મોભી મહિલા કે પુરુષ, અનુસૂચિત જાતિ/જનજાતિમાં આવો છો કે કેમ, મકાન સ્વામિત્વની કાગળ પરની સ્થિતિઓ, મકાનમાં ઓરડા કેટલાં, પરિવારમાં દંપતિ કેટલાં, પિવાનું પાણી કેવી રીતે મેળવો છો, લાઈટ અને શૌચાલય ધરાવો છો કે નહીં, શૌચાલયનો પ્રકાર, ગંદા પાણીના નિકાલ માટે શું વ્યવસ્થાઓ છે, રસોડું-રાંધણગેસ બાટલો કે પાઈપલાઈન, ભોજન બનાવવા માટે મુખ્ય ઈંધણ, રેડિયો-ટીવી, ઈન્ટરનેટ, લેપટોપ, મોબાઈલ, કેટલાં મોબાઈલ, કોમ્પ્યુટર, બે અને ચાર પૈડાવાળા કુલ કેટલાં વાહનો અને તમે મુખ્ય રીતે રોજ ક્યુ અનાજ રાંધો છો- આ પ્રકારના સંખ્યાબંધ પ્રશ્નો તમને પૂછવામાં આવશે અને તમારાં જવાબો ફોર્મમાં નોંધવામાં આવશે.
આ પ્રકારની તમામ સૂચનાઓ સરકાર દ્વારા કલેક્ટરો અને કમિશનરોને આપી દેવામાં આવી છે. તમારાં ઘરે વસતિ ગણતરી માટે જે જનગણના અધિકારી આવશે એ તમને તથા તમારાં પરિવારને ઓછામાં ઓછા 33 પ્રશ્નો તો પૂછશે જ. વધારે પ્રશ્નો પણ પૂછાઈ શકે. વસતિ ગણતરીની આ તમામ યાદીઓ તૈયાર કરવામાં મામલતદારથી માંડીને ઉચ્ચ અધિકારીઓ સુધીના કોઈના પણ દ્વારા જો ભૂલચૂક કરવામાં આવશે તો તે અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીઓ પણ થશે. 2011ની વસતિ ગણતરી વખતે સ્લમ એટલે કે ગંદા વિસ્તારોને 3 શ્રેણીમાં વિભાજિત કરવામાં આવેલાં, આ વખતે પણ 3 વિભાગ રહેશે. તમામ ગામો, પેટાપરા અને તાલુકાઓના નકશા તૈયાર કરી આ યાદીઓ સાથે જોડી અધિકારીઓએ સરકારમાં જમા કરાવવાના રહેશે. જે ગામોમાં કોઈ પણ રહેતું ન હોય તેવા ગામોની યાદીઓ અને નકશા પણ તૈયાર કરવામાં આવશે. ટૂંકમાં, આ વખતે સંપૂર્ણ યાદીઓ અને નકશા અદ્યતન બનાવવાના રહેશે.























































