Mysamachar.in- દેવભૂમિ દ્વારકા
જામનગર નજીકના સિક્કા પાસે આવેલી એક સિમેન્ટ કંપનીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ચૂનાના પથ્થરો માટેની ખાણની વ્યવસ્થાઓ ગોઠવી છે, જેની જાહેર લોકસુનાવણીમાં લોકોએ વાંધાઓ ઉઠાવ્યા પરંતુ તંત્ર આ સુનાવણી સફળ રહી હોવાનો દાવો કરે છે.
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જોધપુર ગામ સહિતના પંથકમાં જમીનોમાં ચૂનાના પથ્થરોનો ભંડાર ભરેલો છે. આ ભંડાર સિક્કાની દિગ્વિજય સિમેન્ટ કંપની દ્વારા આગામી સમયમાં મોટાપાયે ખોદી કાઢવામાં આવશે. આ વિસ્તારના 18 જેટલાં ગામો આ લાઈમ સ્ટોન એરિયા આસપાસ આવેલાં હોય, અહીં ખાણકામ શરૂ થતાં આ તમામ ગામોને તેની સંભવિત અસરો પહોંચશે. આ વિસ્તારમાં તંત્ર દ્વારા કંપનીને આશરે 36 હેક્ટર જેટલી જમીન ખાણકામ માટે આપવામાં આવી છે. આ માટેની પર્યાવરણીય સુનાવણીનો જાહેર કાર્યક્રમ કાલે 19મી જૂને જોધપુર લાઈમ સ્ટોન એરિયામાં રાખવામાં આવ્યો હતો.
આ લોકસુનાવણી કલેક્ટરના અધ્યક્ષપદે યોજાઈ હતી, જેમાં જામનગર ખાતે આવેલી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીના મુખ્ય અધિકારી જી.બી.ભટ્ટ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં અંદાજે 250 જેટલાં ગ્રામજનોએ ભાગ લીધો હતો. જે પૈકી કેટલાંક લોકોએ મૌખિક અને કેટલાંક અરજદારોએ લેખિતમાં આ ખાણકામનો વિરોધ વ્યક્ત કર્યો. જો કે, લોકોએ ક્યા મુદ્દાઓ પર ખાણકામનો વિરોધ કર્યો, તે અંગે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હાલ કશું બોલવા ચાહતું નથી. તંત્ર સ્તરે આ જાહેર લોકસુનાવણીની વિગતો હાલ ખાનગી રાખવામાં આવી છે. ભવિષ્યમાં આ વિરોધની વિગતો, ઓનલાઈન મૂકવામાં આવશે એમ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જણાવે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, દિગ્વિજય સિમેન્ટ કંપની સંબંધે જામનગર જિલ્લામાં અવારનવાર પ્રદૂષણ સહિતના મુદ્દાઓ પર વાંધા વિરોધ થતાં રહે છે પરંતુ કોઈ પણ કારણોસર, તંત્રો સ્તરે કંપની વિરુદ્ધ કોઈ કાર્યવાહીઓ થતી નથી, એવું અત્યાર સુધીમાં જોવા મળેલ છે. હવે આ કંપની દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાણકામ શરૂ કરી રહી હોય, આગામી સમયમાં આ જિલ્લામાં પણ કંપની ચર્ચાઓમાં રહેશે એમ હાલ જણાઈ રહ્યું છે.