Mysamachar.in:અમદાવાદ:
કોઈ પણ અદાલતે, કોઈ નેતાને દોષિત જાહેર કરેલ હોય, એ નેતા ચૂંટણીઓ લડી શકે કે કેમ અને આવા દાગી નેતાઓ આજિવન ચૂંટણીઓ લડી ન શકે- એવો પ્રતિબંધ એમના પર લાદી શકાય કે કેમ- આ મામલો હાલ સુપ્રિમ કોર્ટમાં ચાલી રહ્યો છે. જેની સુનાવણીઓ દરમિયાન કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહી દીધું કે, આ મામલે અદાલત દખલ ન કરી શકે, આ નિર્ણય સંસદ લ્યે.
સુપ્રિમ કોર્ટમાં એક અરજી થઈ છે જેમાં દોષિત ઠેરવાયેલા સાંસદોને અયોગ્ય જાહેર કરવાની માંગ થઇ છે. અદાલતમાં કેન્દ્ર સરકારે આ માંગણીનો વિરોધ કર્યો છે. સરકારે સુપ્રિમ કોર્ટમાં એવો જવાબ દાખલ કર્યો છે કે, આ સમગ્ર મામલો સંસદ સાથે સંકળાયેલો છે. તેમાં કોર્ટ દખલ ના દઈ શકે. આવા સાંસદો પર આજિવન ચૂંટણીઓ લડવા પર પણ પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે, જેનો પણ કેન્દ્ર સરકારે વિરોધ કર્યો છે.

સરકારે આ મામલે સુપ્રિમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે જેમાં જણાવાયું છે કે, જનપ્રતિનિધિ કાયદો-1951ની કલમ 8 મુજબ કોઈ વિશેષ અપરાધમાં દોષિત ઠેરવાયેલી વ્યક્તિ જેલની સજા પૂર્ણ થઈ ગયા બાદ 6 વર્ષ સુધી અયોગ્ય જાહેર કરવામાં આવે છે. આ સંપૂર્ણ મામલો સંસદની નીતિઓ હેઠળનો છે. જયારે કોર્ટ આ જોગવાઈ યોગ્ય છે કે નહીં, બંધારણીય છે કે નહીં, એ નિર્ણય લઈ શકે.(પ્રતીકાત્મક તસ્વીર)