Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતમાં લાંચ વગર કોઈ કામ થતાં નથી- એવું જ્યારે કોઈના પણ દ્વારા બોલવા કે લખવામાં આવે ત્યારે શાસન તરફથી એવી પ્રતિક્રિયાઓ આવતી હોય છે કે, વિરોધીઓનું કામ જ આક્ષેપ કરવાનું હોય છે. પરંતુ લાંચ રૂશવત વિરોધી તંત્ર દ્વારા રેકર્ડ પર જે કામગીરીઓ અને કાર્યવાહીઓ થઈ રહી છે, એ દર્શાવે છે કે, લાંચ સંબંધિત આક્ષેપો હકીકત છે. લાંચ સરકારના બધાં જ વિભાગોમાં કામો કરી આપવા માટેની મોડસ ઓપરેન્ડી છે ! જે ભ્રષ્ટાચારી તત્ત્વો પકડાતા નથી એ એક અલગ વિષય છે.
આજે બહાર આવેલી વિગતો અનુસાર, કચ્છમાં એક મહિલા તલાટી લાંચ લેતાં ઝડપાઈ ગઈ. આ ઉપરાંત અમદાવાદના એક કોન્સ્ટેબલ વિરુદ્ધ લાંચનો ગુનો દાખલ થયો અને ગાંધીનગરનો એક RTO ઈન્સ્પેક્ટર લાંચમાં ઝડપાઈ ગયો. આ મામલાઓ દર્શાવે છે કે, સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતભરમાં ACB વધુ સક્રિય બની છે. બીજો એક ટ્રેન્ડ એ જોવા મળે છે કે, ફરિયાદીઓ હવે વધુને વધુ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને પકડાવી દેવામાં વધુ રસ લઈ રહ્યા છે. આટલાં બધાં લાંચિયા તત્ત્વો ઉપરાઉપરી ઝડપાઈ રહ્યા હોય, સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટ તત્ત્વોનું બ્લડપ્રેશર ઉંચુ થઈ રહ્યું છે.
અમદાવાદના કોન્સ્ટેબલે, એક પરણિતાએ પોતાના સાસરિયા વિરુદ્ધ કરેલી ફરિયાદના મામલામાં સાસરિયાની તરફેણ કરી આપવાના બદલામાં રૂ. 30,000ની લાંચ માંગી હતી. જગદીશ દેવશી વાળા નામનો આ કોન્સ્ટેબલ હાલ રાઈટરનું કામ કરતો હતો. ACBએ ગુનો દાખલ કર્યો.
બીજો મામલો ગાંધીનગર RTO નો છે. એક કોમર્શિયલ વાહનના આજિવન ટેકસના કામમાં RTO ઈન્સ્પેક્ટર હિતેન્દ્રસિંહ જામસિંહ પરમાર અને અન્ય એક ખાનગી વ્યક્તિની ધરપકડ થઈ છે. આ કામ ઓનલાઈન હોવા છતાં, તેમાં પણ નાણાંની લેતીદેતી થતી હતી. એક RTO એજન્ટે આ ‘સાહેબ’ને પકડાવી દીધાં.
લાંચનો ત્રીજો મામલો કચ્છનો છે. લાંચ લેવામાં મહિલાઓ પણ પુરૂષ સમોવડી હોવાનું આ એક વધુ ઉદાહરણ છે. નખત્રાણા તાલુકાના દેશલપરની મહિલા તલાટી ચંદ્રિકા ગરોડા લાંચમાં ઝડપાઈ ગઈ. એક ધંધાર્થીને સરકારી પડતર જમીન હોટેલ બનાવવા જોઈતી હતી. આ જમીન ગૌચરની નથી- એવો દાખલો આ મહિલા તલાટીએ આપવાનો હતો. આ છટકામાં ચંદ્રિકાની સરકારી નોકરી પર ગ્રહણ લાગી ગયું. આ ઉપરાંત પાછલાં 48 કલાકમાં ACBએ અન્ય વધુ બે સરકારી કર્મચારીઓને જુદાં જુદાં છટકામાં ઝડપી લીધાં હોવાનો પણ અહેવાલ છે. જેના કાગળો તૈયાર થઈ રહ્યા છે.