Mysamachar.in:જામનગર
જામનગર હોય કે જલંધર, વેપારઉદ્યોગ ક્ષેત્રમાં ટેક્સચોરી દાયકાઓ જૂનો મામલો છે. ઘણાં મોટામાથાઓની સમૃદ્ધિ ચોરીઓને આભારી હોય છે, કૌભાંડ લક્ષ્મીને જન્મ આપતાં હોય, ચાલ્યે રાખતાં હોય છે. ઘણાં કિસ્સાઓમાં તંત્રોની મીઠી નજર હોય છે, ઘણાં કિસ્સાઓમાં સામેલગીરી ! જામનગરનો વિશ્વવિખ્યાત બ્રાસ ઉદ્યોગ વધુ એક વખત છાપે ચડ્યો છે. જેમાં અબજો રૂપિયાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની ચર્ચા છે ! તાજેતરમાં બ્રાસ ઉદ્યોગ એસોસિએશન જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યું હતું. તેઓએ માંગણી કરી છે કે, ખરાં કૌભાંડીઓને ઝડપી લેવામાં આવે. જો કે એ દિશામાં કોઈ ઝડપી અને અસરકારક કામગીરી અથવા કાર્યવાહી થવાની શક્યતાઓ નહીંવત હોવાનું જાણકારો કહે છે !
અત્રે નોંધનીય છે કે, બે દિવસ પહેલાં જ GSTનાં અમદાવાદ સત્તાવાળાઓએ જામનગરમાં આ ઉદ્યોગ સાથે સંકળાયેલા આઠ ઉદ્યોગોને ‘બોગસ પેઢીઓ’ જાહેર કરવામાં આવતાં ગત્ શનિ- રવિવારે શહેરમાં દોડધામ મચી ગઈ હતી. એ દરમિયાન કૌભાંડીઓને ઝડપી લેવામાં આવે એવી માંગણી પણ થઈ હતી. દરમિયાન, GST સત્તાવાળાઓએ બ્રાસ ઉદ્યોગની સાડાત્રણ ચાર ડઝન જેટલી પેઢીઓને બોગસ બિલીંગ તથા વેચાણ વ્યવહારો અંગે નોટિસો ફટકારતાં જામનગરનાં બધાં જ બ્રાસ ઉદ્યોગનગરોમાં ભાગમભાગ જોવા મળે છે. જો કે આવી કેટલીક તપાસો અલગ અલગ ક્ષેત્રમાં રાજ્યવ્યાપી હોવાનું પણ જાણવા મળે છે.