Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતમાં બોગસ અથવા નકલીની બોલબાલા છે, બધાં જ ક્ષેત્રમાં છે. ઝડપાઈ જનારાઓની સંખ્યા હિમશીલાની ટોચ છે. મોજ કરનારાઓની સંખ્યા કેટલી હશે, એ ભગવાન જાણે. કેમ કે, જવાબદાર તંત્રો બેદરકાર રહે છે. તંત્રો સ્વ પ્રસંશામાં વ્યસ્ત રહે છે અને બધાં જ ક્ષેત્રમાં લાલિયાવાડીઓ બેસુમાર છે. જામનગર સહિત રાજ્યભરમાં બોગસ તબીબોની કોઈ કમી નથી. લોકોનો ભરોસો તો તોડે જ છે, લોકોની જિંદગીઓ સાથે રમત પણ રમે છે. અચરજની વાત એ પણ છે કે, આવા ગુનેગારોને કડક સજાઓ થતી નથી. આ માટે કાયદો સુધારવો પડે તો સુધારવો જોઈએ. આ ગુનો સમગ્ર સમાજ સામેનો ગુનો છે, તેને ગંભીર લેખવો જોઈએ. જ્યાં સુધી ગુનેગારને દાખલારૂપ સજા ન મળે ત્યાં સુધી ગુનાઓ બંધ ન થઈ શકે. બોગસ તબીબ સંબંધિત ચીલાચાલુ કાર્યવાહીઓ માત્ર ફારસ છે. ફારસો બંધ થવા જોઈએ.
બોગસ તબીબ તરીકે સમાજને કોરી ખાતાં તત્વોની હિંમત જૂઓ. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારનો એક કિસ્સો બહાર આવ્યો. એક શખ્સ બોગસ તબીબ તરીકે માત્ર સામાન્ય દવાખાનું નહીં, મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ ચલાવતો હતો. લોકો પાસેથી લાખો રૂપિયા આ રીતે લૂંટી લેતો હતો અને લોકો સાથે સારવાર સંબંધિત છેતરપિંડીઓ અલગ !
અનન્યા નામની આ હોસ્પિટલનો વીડિયો વાયરલ થયા બાદ તંત્ર દોડયું. ત્યાં સુધી તંત્ર ઘોરતું રહ્યું. (કદાચ, હપ્તા પણ વસૂલતું હોય). આ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક છોકરીનું મોત પણ થયું. આ નુકસાનની ભરપાઇ કેવી રીતે થઈ શકે ? હોસ્પિટલ સીલ કરી સિંહનો શિકાર કર્યાનું ગૌરવ અનુભવતું તંત્ર, વીડિયો વાયરલ થયો ત્યાં સુધી કયાં હતું ?! બોગસ ડોક્ટર તરીકે મોજ કરનાર આ શખ્સનું નામ મેહુલ ચાવડા છે. આવા મેહુલ આખા ગુજરાતમાં છે, જેમના વિરુદ્ધ સખત અભિયાન ચલાવવામાં તંત્રને અથવા સરકારને તકલીફ શું છે ? થોડાં સમયે આવા પરચૂરણ કેસ દાયકાઓ સુધી થતાં રહે, એ સમગ્ર સરકારની લાપરવાહી લેખી શકાય, લોકોનો મત આ પ્રકારનો છે.