Mysamachar.in-જામનગર
આમ તો સહકારી સંસ્થાઓમાં પ્રત્યક્ષ નહિ પરંતુ પરોક્ષ રીતે રાજકારણ હોય છે, જે સર્વવિદિત છે, એવામાં એક તરફ ભાજપના નવા વરાયેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ભાજપમાં ખૂટતી કડીઓ જોડવા અને 182 વિધાનસભા બેઠકોનો ટાર્ગેટ લઈને પ્રવાસો ખેડી રહ્યા છે, ત્યારે બીજું બાજુ કાલાવડ માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં હિન્દી ચીની ભાઈ ભાઈની જેમ કોંગ્રેસ ભાજપની જુગલબંધીએ ચર્ચા જગાવી છે, વાત કાઈક એવી છે કે કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેનની વરણી થયા બાદ આજે વાઈસચેરમેનની વરણી હતી જેમાં કોંગ્રેસ પ્રેરિત કાન્તીભાઈ ગઢિયા બિરાજમાન થયા છે,
જામનગરના કાલાવડ માર્કેટીંગ યાર્ડમાં બોડી ભાજપની હોવા છતા વાઇસ ચેરમેન તરીકે કોંગ્રેસના સભ્ય બીન હરીફ થયા છે ત્યારે સમીક્ષકો જણાવે છે કે ઘણી વખત સ્થાનીક રાજકારણ અને ઉપલા લેવલના રાજકારણ ઉતર દક્ષીણ જેવા હોય છે અને કાલાવડ જેવા ભાજપના ગઢમાં આવો અપસેટ સર્જાયો હોઇ વિશ્લેષણ રસપ્રદ બની રહ્યાનુ સમીક્ષકો જણાવે છે, કાલાવડ માર્કેટીંગ યાર્ડમાં સતત બીજા ટર્મમાં ચેરમેન તરીકે યુવરાજસિંહની વરણી થઇ છે તથા વાઈસ ચેરમેન તરીકે કાન્તીભાઈ ગઢિયા અને કારોબારી ચેરમેન તરીકે રમેશભાઈ તાળાની સર્વાનુમતે તમામ યાર્ડના ડાયરેક્ટર અને ખેડૂત આગેવાનોની હાજરીમાં બિનહરીફ નિમણૂક કરવામાં આવી છે,
અત્રે ઉલ્લેખનીય છે કે કાલાવડ માર્કેટિંગ યાર્ડ ભાજપ પ્રેરિત બોડી હોવાથી તાજેતરમાં વાઈસ ચેરમેનની નિમણુંક થઈ છે, તે કાંતિભાઈ ગઢિયાના પત્ની કોંગ્રેસ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન પદે સેવા આપી રહ્યા છે, અને કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં તેમની નિમણુંક થવાથી ભારે આશ્ચર્ય ફેલાયું છે અને અનેક ચર્ચાઓ ઉઠી છે. એક તરફ નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખને જાણે કોંગ્રેસ તરફ સુગ હોય તેમજ ભાજપના જ બળને મજબુત કરવાના લલકાર કરે છે જે સ્વાભાવિક પણ છે તેમ જ તાજેતરમા નગરપાલીકાઓના હોદેદારોની વરણીમાં ભાજપના જે સભ્યોએ કોંગ્રેસ સભ્યોની તરફેણ કરી તેમને સસ્પેન્ડ પણ કરાયા છે.
પરંતુ બીજી તરફ જોઇએ તો સહકાર ક્ષેત્રમાં હજુ કોંગ્રેસનુ વર્ચસ્વ છે ભલે પહેલા જેવુ નથી છતાય છે તેમજ સહકાર ક્ષેત્રમા આમ તો પક્ષના બેનર પર ચુંટણી થતીય નથી છતા વર્ષોથી પક્ષાપક્ષી સ્થાપિત તો છે જ….તેમાં ભાજપ એ સહકાર ક્ષેત્રમા કાઠુ કાઢ્યુ તો તે સતા કે સતાનો ભાગ સાચવી નથી શકતા હોવાથી અમુક સહકારી સંસ્થાઓમા કાંતો ભાજપનો જ જુથવાદ કોંગ્રેસને ફાયદો કરાવે છે કાંતો કોંગ્રેસનુ પ્રભુત્વ તોડવા દર વખતે ભાજપ સફળ ન થતા સહકારી મંડળીઓ બેંકો સંઘો યાર્ડો વગેરેમા ભાજપ કોંગ્રેસના ચોક્કસ સંયુક્ત જુથોની સમરસતા તરી આવે છે જેનુ વધુ એક ઉદાહરણ કાલાવડ યાર્ડે પુરૂ પાડ્યુ છે તેમ રાજકીય વિશ્લેષકોનો અભિપ્રાય છે.