Mysamachar.in: રાજકોટ
રાજકીય પક્ષોમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટી એક અલગ ઓળખ ધરાવે છે. એમ માનવામાં આવે છે કે, આ પક્ષ સૌથી શિસ્તબદ્ધ છે. અસંતોષ અને વિવાદો પક્ષ કાર્યાલયની ચાર દીવાલો વચ્ચે સૂલટાવવામાં આવે છે. પરંતુ આ વખતે, પ્રથમ વખત લોકસભા ચૂંટણીઓ ટાણે અશિસ્તના અજગરે ફૂંફાડો માર્યો છે. અને, પક્ષનું કદ તથા પ્રભાવ મોટો હોય, આ ફૂંફાડો પણ ભયાનક દેખાઈ રહ્યો છે. ઘણાં દિવસોથી પ્રદેશ નેતાગીરી આગ બૂઝાવી તો શકી નથી જ, અંકુશમાં પણ લઈ શકી નથી. પક્ષમાં ચિંતાઓ છે. ચૂંટણીઓમાં શું થશે ?! સમગ્ર રાજ્યમાં પક્ષ અશાંતિનો અનુભવ કરી રહ્યો છે. ટિકિટ ફાળવણીની નારાજગીઓ તો ખરી જ, સાથેસાથે ક્ષત્રિય સમાજમાં રૂપાલા મુદ્દે પ્રગટેલાં વિરોધની ‘તલવાર’ સખત રીતે ચમકી રહી છે. અને, CM આજે દિલ્હી દરબારમાં પહોંચ્યા છે.
આ લોકસભા ચૂંટણીઓ ટાણે પ્રથમ વખત ભાજપ, ગુજરાતમાં, પોતાના સૌથી મજબૂત રાજયમાં, સૌથી કપરી પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યો છે. અને, સ્થિતિ ચિંતાપ્રેરક એટલી હદે દેખાઈ રહી છે કે, ખુદ પ્રદેશ નેતાગીરી અસહાય હોય તેવું સમજાઈ રહ્યું છે. આખું કોકડું દિલ્હીથી ઉકેલાઈ તો જ મેળ પડે તેવું જોવા મળી રહ્યું છે.સાબરકાંઠા હોય કે વડોદરા, જૂનાગઢ હોય કે પછી પોરબંદર- સમગ્ર રાજયમાં પક્ષના જાહેર થયેલાં કેટલાય લોકસભા ઉમેદવારો પ્રતિકૂળતાઓનો અહેસાસ કરી રહ્યા છે. ઠેરઠેર નારાજગીઓ અને અસંતોષની આગ લપકારા મારી રહી છે. ઘર ભડભડ સળગી રહ્યું છે. ખુદ ફાયર બ્રિગેડ તાપ અનુભવી રહ્યું છે. પક્ષના સિનિયર નેતાઓ પણ મૂંઝવણમાં અને મૌન છે. ખુદ પ્રદેશ અધ્યક્ષ પક્ષની હાલની હાલત અંગે મીડિયા સમક્ષ ચૂપકીદી સેવી રહ્યા છે. તેઓ વર્તમાન સ્થિતિ અંગે સ્પષ્ટ ન હોવાનું સમજાઈ રહ્યું છે અને રૂટિન મુજબ, પક્ષના કાર્યકર્તાઓને પંપ લગાવવાની કસરતો કરી રહ્યા છે. પક્ષના અસંતુષ્ટ નેતાઓ પક્ષની શિસ્ત બાજુ પર મૂકી બોલવા લાગ્યા છે. ઉપરથી નિવેદનો ન કરવાની સૂચનાઓ હોવા છતાં.
આમ એક તરફ, પક્ષની નારાજગી અને અસંતોષ બોલકા બન્યા છે. બીજી તરફ, રૂપાલા વિરોધ શમવાનું નામ લેતો નથી. પક્ષના ક્ષત્રિય નેતાઓ, સિનિયર પણ, રૂપાલાને બચાવી શકવાની સ્થિતિમાં નથી. સામા પક્ષે ક્ષત્રિય સમાજ રૂપાલાનું’માથું ‘ માંગે છે. તેઓને કથિત સમાધાનો કે મંગાતી માફીઓથી સંતોષ નથી. આ લડાયક સમાજનો મિજાજ સમગ્ર ભારતીય જનતા પાર્ટીને તાપ આપી રહ્યો છે. ધડાધડ નિવેદનો આવે છે. યુદ્ધ એ જ કલ્યાણના નારાઓથી ગુજરાત ગૂંજી રહ્યું છે. પક્ષ રૂપાલાની રાજકોટ લોકસભા ઉમેદવારી રદ્દ કરે તો, પક્ષ શરણે પડ્યો એવા સંકેતો જાય અને પાટીદાર સમાજમાં પણ તેની અસરો દેખાય. આ સ્થિતિમાં ખુદ રૂપાલા સરેન્ડર થાય, મેદાન છોડવાની જાહેરાત કરે તો જ બાત બને એવું દેખાઈ રહ્યું છે. મુખ્યમંત્રી આજે ચૂંટણીઓ અનુસંધાને દિલ્હીમાં છે. તેઓ મોદી-શાહ ફોર્મ્યુલા લઈને આવશે ? રૂપાલા એપિસોડ આજે સાંજે અથવા આવતીકાલે પૂર્ણ થશે ? એવી પણ ચર્ચાઓ છે.
જો કે, રૂપાલા પ્રકરણ પૂર્ણ થઈ જાય પછી પણ ઓલઓવર પક્ષમાં અન્ય જે નારાજગીઓ ઉમેદવાર અને ચૂંટણીઓ સંબંધી ભડકે બળી રહી છે, તેનું શું ? એ ચર્ચાઓ પણ રાજ્યમાં સાંભળવા મળી રહી છે. આ વખતે લોકસભામાં ગુજરાતમાં માત્ર હેટ્રીક જ નહીં, તમામ 26 બેઠક પર પાંચ પાંચ લાખની લીડની જે તમન્ના પક્ષ દ્વારા વારંવાર જાહેર થઈ છે, તે લક્ષ્યાંક સુધી આ હાલતમાં પક્ષ કેવી રીતે પહોંચી શકશે ? એ મુદ્દે પક્ષના નેતાઓ ખુદ મનોમંથન કરી રહ્યા છે, એવું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે. હાલમાં પક્ષમાં ચૂંટણીઓ બાબતે સન્નાટો છવાઈ ગયો છે અને સૌ નીર આછરવાની રાહ જોઈ રહ્યા છે.
ભાજપના ઘણાં નેતાઓ ઘણાં પ્રકારના નિવેદન આપી રહ્યા છે. એક નેતાએ આપેલું નિવેદન બહુ વાયરલ થઈ રહ્યું છે. પક્ષના બોલકા નેતા ડો. ભરત કાનાબારનું નિવેદન ચર્ચાઓમાં છે. આ નેતાએ પક્ષ વિરુદ્ધ એક્સ પર, એટલે કે ટ્વિટર પર, લખ્યું છે: રાષ્ટ્રવાદ, પ્રમાણિકતા, પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને વફાદારીની વાતો- “પોથીમાંના રીંગણાં” બનીને રહી ગઈ છે. સૌથી વધુ ભયજનક જ્ઞાતિવાદ-જાતિવાદનો બોમ્બ છે, જે મેરીટ અને ગુણવત્તાના ફૂરચા ઉડાડી દે છે. ફલાણી સીટ તો એ કોળી સમાજની ગણાય, ફલાણી પટેલ સમાજની રિઝર્વ, ફલાણી ઠાકોર સમાજની કે પછી આહિર સમાજની કે પછી ક્ષત્રિય સમાજની ! આમાં લાયક ઉમેદવાર માટે કોઈ સીટ રિઝર્વ ખરી ?? આ પોસ્ટમાં જાતિવાદના રાક્ષસનું ચિત્ર પણ મૂકવામાં આવ્યું છે. આ એક ઉદાહરણ માત્ર છે.