Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ ઘણાં સમય અગાઉ જાહેર કરી ચૂકયા છે કે, આગામી લોકસભા ચૂંટણીઓમાં ભાજપા ગુજરાતની તમામ 26 બેઠકો ત્રીજી વખત જિતશે અને આ વખતે આ દરેક બેઠક પર ઓછામાં ઓછી પાંચ લાખની લીડ તો હશે જ. તેઓએ આ વાત જાહેર કરતાં પૂર્વે, રાજયમાં ‘ભરત’ ભરી લીધાં હતાં ?! કે, પોતાનો આ દાવો ખરો પૂરવાર કરવા તેઓ હાલ ‘ભરત’ ભરી રહ્યા છે ?! એ ચર્ચાઓ રાજયમાં શરૂ થઈ છે કેમ કે, છેલ્લા 6 જ દિવસમાં વિપક્ષના 2 ધારાસભ્યને હવે દ્રાક્ષ ખાટી લાગી રહી હોય, તેઓએ MLA પદ પરથી રાજીનામા આપી દીધાં છે, તેથી હવે વિધાનસભામાં કુલ ધારાસભ્યની સંખ્યા 180 રહી છે.
તો શું આગામી લોકસભા ચૂંટણીઓ, ગુજરાતમાં વધુ એક વખત વનસાઈડ થઈ જશે ?! 6 દિવસ અગાઉ વિસાવદરના આમ આદમી પાર્ટીના MLA ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દીધાં બાદ, આજે ખંભાતના કોંગ્રેસના MLA ચિરાગ પટેલએ પણ MLA તરીકે રાજીનામું આપી દીધું. કહેવાય છે કે, કોંગ્રેસના હજુ વધુ ધારાસભ્ય પણ રાજીનામું આપે તો પણ કોઈને અચરજ થશે નહીં, કેમ કે ભારતીય જનતા પાર્ટી હાલ આક્રમક બોલિંગ કરી રહી છે, તે જોતાં વિપક્ષની વિકેટો ધડાધડ ખરી રહી છે, તે સૌને સ્વાભાવિક લાગી રહ્યું છે. આગામી લોકસભા ચૂંટણીઓ ટાણે,બે મુખ્ય વિપક્ષો 52 ઉમેદવાર શોધી શકશે.?! કે, સંપીને 26 જ ઉમેદવાર ઉભાં રાખશે.? એ ચર્ચાઓ પણ અત્યારથી શરૂ થઈ ગઈ છે.

























































