Mysamachar.in-ભરૂચ:
સરકાર ઈચ્છે છે કે, ગુજરાત ડ્રગ્સ ફ્રી સ્ટેટ બને, રાજયમાં ડ્રગ્સ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે અને, ડ્રગ્સના એક એક કારોબારના પગેરાં દબાવવામાં આવી રહ્યા છે. આ મોટી કામગીરીઓમાં ગુજરાત પોલીસ મહારાષ્ટ્ર અને દિલ્હી પોલીસની સાથે મળીને કામ કરી રહી છે, કેમ કે ડ્રગ્સનો કારોબાર નેશનલ નેટવર્કિંગ ધરાવે છે. આ પ્રકારના વધુ એક ઓપરેશનમાં દિલ્હી અને ગુજરાતની પોલીસે સંયુકત કામગીરીઓ કરી, દક્ષિણ ગુજરાતના અંકલેશ્વરના ઉદ્યોગનગરમાં દરોડો પાડી એક ફાર્મા કંપનીમાંથી રૂ. 5,000 કરોડની આંતરરાષ્ટ્રીય બજારકિંમત ધરાવતો કોકેઈનનો જથ્થો ઝડપી લીધાંની દિલ્હીથી જાહેરાત થઈ છે.
આ દરોડો અંકલેશ્વરની ‘આવકાર’ નામની ફાર્મા કંપનીમાં પાડવામાં આવ્યો. આ દરોડામાં 518 કિલોગ્રામ કોકેઈનનો જથ્થો ઝડપાયો છે. આ ડ્રગ્સ બનાવવાનો ઓર્ડર આ કંપનીને દિલ્હીની એક કંપનીએ આપ્યો હતો. અને, આગામી દીવાળી તહેવારો દરમિયાન આ મોતનો જથ્થો અન્ય રાજ્યોમાં સપ્લાય કરવાનો હતો, એવું તપાસમાં બહાર આવ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ 1 ઓક્ટોબર અને 10 ઓક્ટોબરે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા 2 દરોડામાં કુલ રૂ. 8,000 કરોડનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું હતું. જેની તપાસ દરમિયાન જાણવા મળેલ હતું કે, દિલ્હીના આ ડ્રગ્સનો એક છેડો અંકલેશ્વરમાં છે. જે આધારે તપાસ કરી, અંકલેશ્વરની આવકાર કંપનીમાં દરોડો પાડી રૂ. 5,000 કરોડનુ ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું. આ દરોડો ગત્ રોજ રવિવારે પાડવામાં આવ્યો. જેમાં કંપનીના 3 ડીરેકટરો સહિત કુલ 5 ની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલાં પૈકી 3 ડીરેકટરના નામો અશ્વિન રામાણી, બ્રિજેશ કોઠીયા અને વિજય ભેસાણીયા જાહેર થયા છે.(symbolic image)