Mysamachar.in-ગીર સોમનાથ:
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત દેશભરના મહાદેવ ભક્તો સોમનાથ મહાદેવ મંદિર(વેરાવળ-પ્રભાસપાટણ)ની અચૂક મુલાકાત લેતાં હોય છે અને પૂજા અર્ચના તથા દર્શન કરી ધન્યતા અનુભવતા રહે છે, આ ઉપરાંત વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહપ્રધાન, કેન્દ્રીય પ્રધાનો, સેલિબ્રિટીઝ તથા વિવિધ રાજ્યના રાજ્યપાલ સહિતના મહાનુભાવો પણ અહીં દર્શનાર્થે આવતાં હોય, વર્ષભર સોમનાથ મંદિર સમાચારોમાં રહેતું હોય છે. આજે આ ભવ્ય મંદિર અન્ય કારણોસર સમાચારોમાં છે. આ મંદિર આસપાસ લાખો ચોરસફૂટ જમીનો પર દબાણો ખડકાઈ ગયા હોય, ગત્ મોડી રાત્રિથી અહીં મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે.

સોમનાથ, વેરાવળ તથા ભીડિયા પંથકમાં અત્યારે સન્નાટો છે કારણ કે, ઓપરેશન સંબંધે 70 થી વધુ લોકોની અટકાયત કરી લેવામાં આવી છે, ચાર વ્યક્તિઓને એકઠાં થવા પર કલમ-144 દ્વારા પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. કયાંય પણ ચકલુંયે ન ફરકી શકે એટલે ઓપરેશન સ્થળ આસપાસ 1,400થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત હોમગાર્ડ જવાનોને અહીં ઉતારી દેવામાં આવ્યા છે અને આ લોખંડી બંદોબસ્ત અંદરના ભાગમાં 36 જેસીબી પાડતોડ કરી રહ્યા છે અને મલબો એક સાથે 70 ટ્રેક્ટર ટ્રોલીમાં ભરવામાં આવી રહ્યો છે. સંખ્યાબંધ બાંધકામો જમીનદોસ્ત થઈ રહ્યા છે, કાલે મધરાત અગાઉ જ આ સમગ્ર વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ જંગી કાફલાએ અહીં મેગા ડિમોલીશન હાથ ધરેલ છે. આ ઓપરેશન લાંબુ ચાલશે એવી વિગતો મળી રહી છે, જો કે અહીં મીડિયાકર્મીઓના આવવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
એમ માનવામાં આવે છે કે, અહીં આગામી સમયમાં સોમનાથ મંદિર કોરિડોર નિર્માણ કાર્ય વિસ્તારવામાં આવશે અને ઝડપભેર કામગીરીઓ આગળ વધારવામાં આવશે. મંદિર નજીક અને મંદિર પાછળ આવેલી વિશાળ સરકારી જમીનો પર અત્યાર સુધી દબાણો ઉભાં હતાં, જ્યાં અત્યારે મેદાન જેવી સ્થિતિઓ બની રહી છે.
