mysamachar.in-જામનગર:
ગુજરાતમાં સરકારી પ્રાથમિક શિક્ષણનું સ્તર કથળેલ હોય તેવા વાતાવરણ વચ્ચે નીતનવા ફતવા બહાર પાડીને પ્રાથમિક શાળાઓમા શિક્ષણનું સ્તર સુધારવા માટે કેટલાય પ્રયાસો શિક્ષણ વિભાગ દ્વારા અને સ્થાનિક સ્તરે કરવામાં આવતા હોય છે એવામાં “કેળવણીની કેડીએ” અંતર્ગત જામનગર જીલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં તા. ૧લી સપ્ટેમ્બરથી સવારથી સાંજ સુધી એમ ૭ કલાક જેવો સમય કરવામાં આવતા જીલ્લાની પ્રાથમિક શાળાના શિક્ષકોમાં આંતરીક વિરોધનો સૂર ઉઠ્યો છે,
જાણવા મળતી માહિતી મુજબ જામનગર જીલ્લામાં આ પ્રકારનો પ્રથમ પ્રયોગ હોવાનું સતાવાર રીતે જાણવા મળી રહ્યું છે,અને આ મામલે જીલ્લાના સરકારી શિક્ષકોમાં સોશિયલ મીડિયામાં કેટલાય દિવસ થી ભારે રોષ જોવા મળતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા એક આવેદનપત્ર તારીખ ૧૦ ના રોજ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું,પણ આ આવેદનપત્ર આપવામાં આવે તે પુર્વે જ જામનગર જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પણ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ને રજૂઆત કરી અને ખો કરી દેવામાં આવ્યો છે,
રાજ્ય શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને હોદેદારો રાજેન્દ્રસિંહ જાડેજા એ ડીપીઓ ને કરેલ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે કેળવણીની કેડી પ્રોજેક્ટને સફળ બનાવવા જીલ્લાના શિક્ષકો કટીબદ્ધ છે,પણ એક કલાક નો સમય વધારવામાં આવતા જીલ્લાના શિક્ષકો મા નારાજગી પ્રવર્તી છે,અને શિક્ષકો મા વધુ પડતી મહિલા શિક્ષિકાઓ હોવાથી તેમના કૌટુંબિક અને સામાજિક જીવનમાં પણ તકલીફો પડે તેમ હોવાથી એક કલાક વધારાના સમયનો નિર્ણય મોકૂફ રાખવા માટે રજૂઆત કરાઈ છે,
આમ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ શિક્ષકોમાં સળગી રહેલા આ મુદે આવેદનપત્ર પાઠવે તે પૂર્વે જ જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ રજૂઆત રાજ્ય શિક્ષક સંઘના પ્રમુખની આગેવાનીમાં કરવામાં આવી છે તે હવે આ રજૂઆત કેટલી ફળીભૂત થાય છે,અને શિક્ષકોમાં એક કલાકના સમય વધારાને લઈને શરૂ થયેલો વિરોધ શાંત થશે કે કેમ તેના પર સૌની મીટ મંડાયેલી છે.