Mysamachar.in-ભરૂચ:
ભરૂચ જીલ્લાના અંકલેશ્વરમાં એક વાહનચાલક સાથે બનેલી ઘટના દરેક લોકો માટે ચેતવણીરૂપ છે, મળતી પ્રાથમિક માહિતી મુજબ અંકલેશ્વરના ટ્રાન્સપોર્ટર રાજુભાઇ પોતાની કાર લઈને કોઈ કામના રૂ. નવ લાખ ઉપાડી અંબા હરગોવિંદ નામની પેઢીમાં આંગડીયા કરવા ગયા હતા. પરંતુ આ આંગડીયા પેઢી બંધ હોવાથી તેઓ ત્યાંથી મહાવીર ટર્નિંગ થઇ રાજપીપળા ચોકડી તરફ જઈ રહ્યા હતાં. આ અરસામાં રસ્તામાં જીતાલી જકાતનાકા પાસે આવેલા કાર સ્પાની સામે બે મોટર સાઈકલ લઈને આવેલા ત્રણ ઈસમોએ કાર ચાલકને આંતરીને તમે એક્સિડન્ટ કર્યો હોવાનું જણાવીને કાર ઉભી રખાવી હતી.
ત્યારબાદ એક ઇસમ તમે કારનો અકસ્માત સર્જ્યો હોવાનું જણાવી કાર ચાલક સાથે વાતચીત કરતો હતો. આ સમયનો લાભ ઉઠાવી પાછળ ઉભેલા બે અન્ય બાઈક સવારે કાર ચાલક કંઈ પણ સમજે તે પહેલાં કારમાં મૂકેલી બેગ જેમાં રૂ. 9 લાખ 11 હજાર રૂપિયા મુક્યા હતાં, તેની ચીલઝડપ કરીને ફરાર થઈ ગયો હતો. જેમાંથી એક બાઈક સવાર રાજપીપળા ચોકડી તરફ અને બીજો બાઈક સવાર યુ ટર્ન લઈને મહાવીર ટર્નીગ તરફ નાસી ગયો હતો.જો કે ત્યારબાદ રાજુભાઈએ તેમની કારમાં રૂપિયા ભરેલી બેગ નજરે નહિ પડતાં તેમના હોશ ઉડી ગયા હતાં. ત્યારબાદ કાર ચાલકે બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલાએ તાત્કાલિક સ્થળ ઉપર દોડી જઈ અને વધુ તપાસ હાથ ધરી છે.