Mysamachar.in-અમદાવાદ:
બેંકો ગ્રાહકોની સેવાઓ કરવાના નામે અને સુવિધાઓ આપવાના નામે તગડો બિઝનેસ કરી રહી છે. આ સંદર્ભમાં એક એવો તોતિંગ આંકડો બહાર આવ્યો કે, આ આંકડો વાંચી બેંકના ગ્રાહકોનું મગજ ચકરાવે ચડી જાય.
બેંકો ગ્રાહકો પાસેથી જે રિટેલ ચાર્જીસ વસૂલે છે તે ચાર્જીસ ઘટાડવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તમામ બેંકોને સૂચનાઓ આપી છે. આ સૂચનાઓનું જો પાલન થયું તો બેંકોની અબજો રૂપિયાની આવકો પર કાતર ફરશે અને બીજી તરફ બેંકોના કરોડો ગ્રાહકોના અબજો રૂપિયા બચી જશે, જે બેંકો વસૂલી રહી છે.
બ્લૂમબર્ગએ એક રિપોર્ટ જાહેર કર્યો. રિપોર્ટ કહે છે: RBI એ તાજેતરમાં બેંકોને ડેબિટ કાર્ડ, લેટ પેમેન્ટ અને મિનિમમ બેલેન્સ ન રાખવા પર બેંકો દ્વારા વસૂલવામાં આવતી ફી ઘટાડવા કહ્યું. બેંકો માટે રિટેલ બેન્કિંગ ભારે નફાકારક છે. આથી ગ્રાહકોની ચિંતાઓ અને બોજ વધી ગયા.
RBI એમ માને છે કે, બેંકો દ્વારા વસૂલવામાં આવતી ઉંચી ફી ગરીબ અને ઓછી આવક ધરાવતાં બેંક ગ્રાહકો પર ગાઢ અસર કરે છે. ઘણી બેંક હોમલોન પર રૂ. 25,000 સુધીની તોતિંગ પ્રોસેસિંગ ફી વસૂલી લ્યે છે. કારણ કે તેમાં ટોચ મર્યાદા નથી. રિટેલ અને બિઝનેસ લોનમાં બેંકો અડધા ટકાથી માંડીને અઢી ટકા સુધીની ફી વસૂલે છે.
બેંકોની ફી આવક સતત વધી રહી છે, ગત્ એપ્રિલ-જૂન દરમ્યાન બેંકોની આ આવકો 12 ટકા વધી રૂ. 51,060 કરોડ થઈ ગઈ છે. 3 મહિનામાં ગ્રાહકો પાસેથી આટલી કમાણી થઈ. બેંક લોકપાલને પાછલાં 2 વર્ષ દરમ્યાન જે ફરિયાદો મળી તેમાં 50 ટકાનો તોતિંગ વધારો થયો. વર્ષ 2023-24 માં 95 શેડ્યૂલ કોમર્શિયલ બેંકોને ગ્રાહકોની 1 કરોડથી વધુ ફરિયાદ મળી.