Mysamachar.in-અમદાવાદ:
બેંકો પાસેથી લોન લીધા બાદ કોઈ કિસ્સાઓમાં જયારે હપ્તાઓ ના ભરી શકાય અથવા તો હપ્તા ભરવામાં સમય નીકળે ત્યારે કેટલીક બેન્કોના “દાદા” એજન્ટો ગ્રાહકોને દબડાવે અને હેરાન પરેશાન કરી મૂકી છે. પણ આવા એજન્ટોએ હવે માનવીય અભિગમ અપનાવવો પડશે અને તે બાબત બેન્કોએ સુનિશ્ચિત કરવી પડશે તેમ આરબીઆઈની નવી Draft ગાઈડલાઈન્સ કહે છે
ભારતીય રિઝર્વ બેન્કે ગુરુવારે શેડ્યુલ્ડ કોમર્શિયલ બેન્કો (રિજ્યોનલ ફેડરલ બેન્કોને બાદ કરતા) અને હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓ માટે લોન રિકવરીને લઇને નવા ડ્રાફ્ટ નિયમ જાહેર કર્યા છે. નવા નિયમો મુજબ એજન્ટોની દરેક કોલ રેકોર્ડ થશે અને તેમને ગ્રાહકો સાથે વિનમ્રતાથી વાત કરવી પડશે.
મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી રિકવરી એજન્ટો દ્વારા ગ્રાહકો સાથે કરવામાં આવતા અમાનવીય વ્યવહાર અને ગેરકાયદેસર હેરાનગતીની ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી બેંકો, ગ્રામીણ બેંકો, NBFC, અને સહકારી બેંકો સહિતની તમામ નાણાકીય સંસ્થાઓએ રિકવરી માટે માનવીય અભિગમ અપનાવવો પડશે.RBI એ સ્પષ્ટ કર્યું છે કે, બેંકોએ હવે રિકવરી એજન્ટોની નિમણૂક માટે એક સ્પષ્ટ નીતિ બનાવવી પડશે. આ નીતિમાં એજન્ટોની યોગ્યતા, તેમની ઓળખની તપાસ સહિતની બાબતો ફરજીયાત હશે.
આ ઉપરાંત, બેંકોએ પોતાની વેબસાઇટ અને શાખાઓ પર એજન્ટોની અપડેટેડ યાદી પણ જાહેર કરવી પડશે જેથી ગ્રાહકો છેતરાય નહીં. રિકવરી એજન્ટ પાસે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેંકિંગ ઍન્ડ ફાયનાન્સ(IIBF)નું પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે.નિમણૂક પહેલા એજન્ટની ઓળખની કડક તપાસ કરવી પડશે અને તેમની પાસેથી નીતિઓના પાલન માટે લેખિત સંમતિ લેવી પડશે. જો કોઈ એજન્ટ નિયમ તોડે તો બેંકે તેનો કોન્ટ્રાક્ટ રદ કરવા જેવી દંડાત્મક કાર્યવાહી કરવાની રહેશે.
એજન્ટો ગ્રાહકનો સંપર્ક માત્ર સવારે 8થી સાંજના 7 વાગ્યા સુધી જ કરી શકશે.જો ગ્રાહક કોઈ ચોક્કસ સમયે કોલ ન કરવા વિનંતી કરે, તો તેનું સન્માન કરવું પડશે.પરિવારમાં મૃત્યુ, લગ્ન કે તહેવાર જેવા પ્રસંગોએ ગ્રાહકની મુલાકાત લેવા કે કોલ કરવા પર મનાઈ છે.ગ્રાહક સાથે થતી તમામ વાતચીતનું રેકોર્ડિંગ કરવું અનિવાર્ય રહેશે અને ગ્રાહકને તેની જાણ કરવાની રહેશે.
એજન્ટો દ્વારા ગ્રાહકો સાથે ગાળાગાળી, ધમકી કે શારીરિક હિંસાના કોઈપણ કૃત્ય પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તો વધુમાં રિકવરી માટે ગ્રાહકની બે વખતની પસંદગીની જગ્યાએ જવું પડશે, જો ન આવે તો ઘર કે કાર્યસ્થળ પર જઈ શકાશે.રિકવરી કેસ સોંપતા પહેલા બેંકે ગ્રાહકને લેખિત નોટિસ, SMS કે ઈમેલ દ્વારા એજન્ટની સંપૂર્ણ વિગતો આપવી પડશે.તેમ પણ RBI નવી ગાઈડલાઈન્સ કહે છે.
























































