Mysamachar.in-રાજકોટ:
જામનગર પોલીસ શહેરના ચાંદીબજાર વિસ્તારમાં સોનીકામના પરપ્રાંતિય કારીગરોના કાગળો ચેક કરીને પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા કસરતો કરે છે અને સાથેસાથે બસ ડેપો, રેલ્વે સ્ટેશન અને હોટેલો તથા ધર્મશાળાઓમાં ચેકિંગ કરી રહી છે. ત્યારે, બીજી તરફ એક એવી હકીકત બહાર આવી કે, એક બાંગ્લાદેશી મહિલા દેવભૂમિ દ્વારકા અને જામનગર ખાતે ‘અમુક સમય આરામથી વસવાટ’ કરી જતી રહી અને પછી રાજકોટ જિલ્લામાં ગઈ ત્યારે, ત્યાંની પોલીસના હાથમાં ઝડપાઈ.
આ મામલાની જાહેર થયેલી વિગતો એવી છે કે, રાજકોટ જિલ્લાના પડધરી પાસેથી બાંગ્લાદેશી નાગરિક એવી શાહીદા નામની એક મહિલા ઝડપાઈ છે, જે જામનગરના યુવાન સાથે લગ્ન કરવા બોર્ડર ક્રોસ કરી ભારતમાં આવી ગઈ હતી ! આ મહિલાએ 12 વર્ષ અગાઉ બાંગ્લાદેશમાં લગ્ન કર્યા હતાં. એક દીકરી છે અને એ પતિ સાથે તેણીએ છૂટાછેડા લઈ લીધાં છે.

જેની વધુ વિગતો એવી છે કે, શાહીદા ઈન્સ્ટાગ્રામ મારફતે જામનગરના સમીર નામના યુવાન સાથે સંપર્કમાં આવી હતી. બંનેએ ઘણાં સમય સુધી ઓનલાઈન ચેટ કરી. બાદમાં બંનેને લગ્ન કરવાની ઈચ્છા થઈ એટલે શાહીદાએ, હબીબ નામના શખ્સનો સંપર્ક કર્યો. હબીબ શાહીદાના જ ગામનો હતો પણ જેતે સમયે સુરતમાં વસવાટ કરતો હતો ! 2 વર્ષ અગાઉ શાહીદા પોતાના ગામથી હબીબ સાથે પગપાળા ચાલી, બોર્ડર ક્રોસ કરી, કોલકાતા એટલે કે ભારતમાં આવી ગઈ અને આ કામ માટે તેણીએ હબીબને રૂ. 7 હજાર આપ્યા હતાં.
હબીબે તેણીને સીમકાર્ડ પણ કઢાવી દીધું અને તેણીને સુરત પહોંચાડી દીધી. 6 મહિના બંને સાથે રહ્યા. બાદમાં તેણી ટ્રેનમાં જામનગર આવી. જામનગરથી દ્વારકા ગઈ. દ્વારકામાં સમીર સાથે મુલાકાત કરી. ત્યાં બંને એક વર્ષ સુધી સાથે રહ્યા. ત્યારબાદ, છેલ્લા 6 મહિનાથી સમીર-શાહીદા જામનગરમાં ભાડાના મકાનમાં વસવાટ કરે છે. પડધરી પોલીસ હાલ શાહીદાની પૂછપરછ કરી રહી છે. સમીર વિષેની વિગતો હવે બહાર આવશે.
