Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
પોલીસકર્મીઓને કાયદાના રક્ષક કહેવામાં આવે છે, કોઈપણ ગેરકાનૂની પ્રવૃતિઓ થતી હોય તો તેને રોકવાનું કામ પોલીસનું છે, અને પોલીસ કરતી પણ હોય છે, પણ અમુક વિવાદો એવા ઉભા થાય કે જેને લઈને પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠે જ…આવું જ બન્યું છે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયામાં…જ્યાં સાતમ આઠમ સમયે ખંભાળિયા પોલીસે જુગારની રેડ કરી હતી અને તે રેડ દરમિયાન જુગારીઓને પોલીસ મથકે લાવ્યા બાદ પોલીસ ખુદ આરોપીઓ સામે પોલીસમથકમાં જુગાર રમી રહ્યાનો કથિત વિડીયો બેક દિવસથી વાઈરલ થયા બાદ દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસબેડામાં આ વિષય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, ત્યાં જ આ જુગાર સાથે સંકળાયેલી એક ઓડિયો કલીપ પણ વાઈરલ થઇ છે,
જેમાં બે લોકો વચ્ચેનો સંવાદ સાંભળવા મળે છે. અને પોલીસ પર જુગારના પટ્ટમાંથી કટકી કર્યાના કથિત આક્ષેપો ક્લીપના સંવાદમાં સાંભળવા મળે છે. જે ઓડિયો કલીપ વાઈરલ થઇ રહી છે તેમાં જે જુગારનો વિડીયો વાઈરલ થયો હતો તેને સંબોધીને એવી વાતચીત થઇ રહી છે કે જયારે પોલીસે જુગારની રેડ પાડી ત્યારે 70,000 કબજે કર્યા હતા, પણ ચોપડે 30,900 જ બતાવી અને બાકીની કટકી કરી અને તે પૈસાથી પોલીસકર્મીઓ પોલીસ મથકમાં જ જુગાર રમતા હતા તેવો સંવાદ સાંભળવા મળે છે, અને આરોપીને મુક્ત કરવા માટે વ્યકિત દીઠ 1500-1500 અને એક લોહાણા યુવક પાસેથી 5000 લેવામાં આવ્યાની પણ ચર્ચાઓ થાય છે,
દેવભૂમિ દ્વારકાના નવા એસ.પી.સુનીલ જોશી કાયદાના પાલન માટે કડક માનવામાં આવે છે, અને તેવોએ આ મામલે તપાસના આદેશ પણ આપી દીધા છે, હવે પોલીસકર્મીઓની કરતુતને છતી કરતા ઓડિયો અને વિડીયોમાં કેટલું સત્ય.? તે તપાસ બાદ જ સામે આવી શકે હા આક્ષેપો તો થતા હોય પણ તેનું સત્ય તપાસ પૂર્ણ થયે સામે આવશે અને જો પોલીસકર્મીઓ કસુરવાર ઠરશે તો કાર્યવાહી સુધી પણ વાત પહોચશે…કારણ કે વિડીયો કરતા ઓડિયો કલીપ આ મામલાને વધુ સ્પસ્ટ કરતી હોય તેમ લાગે છે.