Mysamachar.in-મોરબી:
મોરબીમાં પોલીસ ચોવીસ કલાક મહામારી સામે લડવા માટે કોરોના યોદ્ધા બની કામગીરી કરી રહી છે. ત્યારે લૉકડાઉનનું ભાજપના આગેવાનો દ્વારા જ ઉલ્લંઘન કરતા હોય તેવી ઘટના હળવદમાં સામે આવી છે, ગતરાત્રીના હળવદના કડીયાના રહેવાસી અને ભાજપના આગેવાન અશોકસિંહ જાડેજા સરા ચોકડી નજીક પોતાની સફેદ કલરની કાર લઈને આવ્યા હતા અને ફરજ પરના પી.આઈ. સંદીપ ખાંભલા સાથે અણછાજતુ વર્તન કરી અને પીઆઈ ખાંભલાને ધક્કો મારી તેના પર ગાડી ચઢાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો.
જોકે સમયસૂચકતા વાપરી પીઆઈ ખસી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો. પરંતુ સરા ચોકડી પર ગઈકાલે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આ મામલે હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ સાંદિપ ખાંભલા પર કાર ચઢાવી હત્યા કરવાનો પ્રયાસ, ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ અશોકસિંહ જાડેજા વિરુદ્ધ ભારે કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે,
આ બનાવનું મૂળ એક માસ પૂર્વે થયેલી માથાકૂટ હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જેમાં હળવદમાં લોકડાઉનનું પાલન કરાવતા પોલીસ કાફલાએ હિતેશ નામના ભાજપના કાર્યકરને રોક્યો હતો. જેમાં કારણ યોગ્ય ન જણાતાં પોલીસે તેના વિરુદ્ધ લોકડાઉન ભંગનો ગુનો નોંધ્યો હતો. જેમાં આ સમયે ભાજપના આગેવાનોએ હળવદ પોલીસ મથકે જઈને પીઆઈ સંદીપ ખાંભલા સાથે ગેરવર્તણૂક કરીને માથાકુટ થઇ હતી. જેના વિડીયો પણ વાયરલ થયા હતા. આ સમયે પણ હળવદ પીઆઈ બધી વાતોને ભૂલીને પોતાની ફરજને વળગી રહ્યા હતા.
જોકે, આ જ માથાકુટનુ મનદુખ રાખી હળવદના ભાજપના નેતાએ જ પીઆઈ સંદીપ ખાંભલાને ચાલુ ફરજે બિભત્સ ગાળો ભાંડી કાર ચઢાવી કચડી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. જે બાદ ધમકી આપતા જણાવ્યું હતું કે, હવે હું જોવુ છું હળવદ પોલીસ સ્ટેશનમા તમે કેમ નોકરી કરો છો. આરોપી અશોકસિંહ જાડેજા નાસી જતા તેની શોધખોળ હાથ ધરી છે. અશોકસિંહ ભાજપનાં મોટા માથાઓ હળવદ ભાજપનો ગઢ ગણવામાં આવે છે, અને ત્યાં જ પોલીસ અધિકારી સાથે આ રીતનું વર્તન કેટલું યોગ્ય તે મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.