Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાના પૂર્વ અધિકારીઓની જુદાં જુદાં કારણોસર જામનગરમાં અથવા શહેર બહારના અન્ય સ્થળના કૌભાંડને કારણે ધરપકડ થયાનું અત્યાર સુધીમાં ત્રીજું પ્રકરણ જાહેર થયું છે. આ છેલ્લાં પ્રકરણમાં JMCના પૂર્વ DMCની ધરપકડ થઈ છે, જે સમાચારે ચકચાર મચાવી દીધી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઘણાં વર્ષ અગાઉ JMCના તે સમયના અતિ વિવાદાસ્પદ અધિકારી સેદાણીની ACBએ ધરપકડ કરેલી. ત્યારબાદ, જામનગરના કમિશનર તરીકે ફરજ બજાવી ગયેલા પ્રદીપ શર્માની ધરપકડ કચ્છના એક પ્રકરણ સંબંધે એક કરતાં વધુ વખત થઈ છે. તેઓ કચ્છ કલેક્ટર હતાં ત્યારે કોઈ જમીન કૌભાંડ તેઓએ આચરેલું એવો આરોપ છે.
ત્યારબાદ, JMCના વધુ એક પૂર્વ અધિકારીને કાલે ગુરૂવારે જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. તેઓ દાહોદ ખાતે ફરજ બજાવતા હતાં ત્યારે આશરે 25 કરોડના એક કૌભાંડમાં આ અધિકારીનો હિસ્સો રૂ. 2.78 કરોડ હોવાનો દાવો તપાસનીશ અધિકારીએ કર્યો છે. આ અધિકારીનું નામ સંજય પંડ્યા. જેની ધરપકડ અમદાવાદથી થઈ છે.
થોડાં સમય અગાઉ દાહોદની નકલી સરકારી કચેરીનું કૌભાંડ બહુ ગાજેલું. જેમાં અત્યાર સુધીમાં 14ની ધરપકડ થઈ છે. અને કૌભાંડનો આખો આંકડો રૂ. 25 કરોડ કરતાં વધુ હોવાનુ બહાર આવ્યું છે. સૂત્ર કહે છે, આ કાંડમાં હજુ વધુ અધિકારીઓની ધરપકડ થઈ શકે છે. આ કૌભાંડમાં સંજય પંડ્યાની ધરપકડ થઈ છે તે કૌભાંડ સમયે દાહોદ પ્રાયોજનાના વહીવટદાર હતાં. અત્રે એ ઉલ્લેખનિય છે કે, તેઓ ભૂતકાળમાં જામનગર મહાનગરપાલિકામાં નાયબ કમિશનર હતાં.
દાહોદનું આ નકલી સરકારી કચેરી કૌભાંડ આમ તો ઘણાં સમયથી ઠંડુ પડી ગયેલું, તપાસ પણ ધીમી થઈ ગઈ હતી પરંતુ તાજેતરમાં આ પ્રકરણમાં 3,434 પેજની ચાર્જશીટ અદાલતમાં રજૂ થયા બાદ આ પ્રકરણમાં ફરી સળવળાટ શરૂ થયો. પોલીસે આ કૌભાંડમાં 130 એવા બેંક એકાઉન્ટ શોધી કાઢ્યા છે જે પૈકી 70 એકાઉન્ટ પોલીસે ફ્રીજ કરાવવા પડ્યા હતાં. તપાસ કહે છે, આ નકલી કચેરી કૌભાંડમાં કુલ 121 કામો કાગળ પર દેખાડી રૂ. 25 કરોડ કરતાં વધુની રકમ સંબંધિતોએ સેરવી લીધી છે. પોલીસનો દાવો છે કે, આ રકમ પૈકી રૂ. 2.78 કરોડ સંજય પંડ્યા સુધી પહોંચી ગયેલાં.
આ કૌભાંડની તપાસ સમયે ગૃહમંત્રીએ એમ કહેલું કે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં, અને આ નિવેદન મુજબ દાહોદ પોલીસ હાલ આ કૌભાંડની તપાસમાં આગળ પણ વધી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ નકલી સરકારી કચેરી કૌભાંડ જાહેર થયું ત્યારે સરકાર માટે શરમજનક સ્થિતિ સર્જાઈ ગઈ હતી પરંતુ બાદમાં તપાસ સારી રીતે આગળ વધી રહી છે.