Mysamachar.in-સુરેન્દ્રનગર:
વધુ એક વખત શ્રમિકો કાળનો કોળિયો બની ગયા છે, આ ઘટનામાં કુલ 9 શ્રમિકો પૈકી 3 શ્રમિકો મોતને ભેટયા છે અને અન્ય 6 શ્રમિકો ગંભીર રીતે દાઝી જતાં સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં અરેરાટી વ્યાપી ગઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રમિકો કાળનો કોળિયો બન્યા હોય એવો ઉપરાઉપરી આ બીજો બનાવ છે, હજુ થોડાં દિવસ અગાઉ જ એક ખાણમાં ભેખડ ધસી પડતાં 4 શ્રમિકોના દટાઈ જવાથી મોત નીપજયા હતાં, ત્યાં આ ફરી દુર્ઘટના બની છે.
સૂત્રના કહેવા અનુસાર, હાલની આ દુર્ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં સર્જાઈ છે. તાલુકાના બુબવાણા ગામ નજીક આમ બન્યું છે. ટ્રોલી સાથેનું એક ટ્રેક્ટર બુબવાણા ગામ નજીકના રોડ પરથી પસાર થઈ રહ્યું હતું, આ સમયે કોઈ કારણસર ટ્રેક્ટરની આ ટ્રોલી એક જીવતાં વીજવાયરને ટચ થઈ જતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ ટ્રોલીમાં મજૂરો બેઠેલાં હતાં. વીજવાયર ટ્રોલીને અડી જતાં ટ્રોલીમાં મોતની ચિચિયારીઓ ઉડી હતી, ઘટનાસ્થળે 3 મજૂરો તરફડીને કાયમ માટે શાંત થઈ ગયા. આ અકસ્માતમાં ટ્રોલીમાં બેઠેલાં શ્રમિકો પૈકી અન્ય 6 શ્રમિકો ગંભીર રીતે દાઝી જતાં તેઓને તાકીદની સારવાર માટે પાટડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ બનાવ અંગે જાણ થતાં દસાડા ફોજદાર વી.આઈ. ખડીયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને દાઝી ગયેલાં શ્રમિકોને સારવાર માટે ખસેડયા છે. ટ્રોલીમાં બેઠેલાં આ શ્રમિકો મધ્યપ્રદેશના હોવાનું જાણવા મળે છે. મોતને ભેટેલાં બે મહિલા અને એક પુરુષના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટડી હોસ્પિટલ ખસેડાયા છે. મૃતકોમાં એક 25 વર્ષીય મહિલા, એક 50 વર્ષીય મહિલા અને 35 વર્ષના એક પુરૂષનો સમાવેશ થતો હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાથી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં અરેરાટી વ્યાપી ગઈ છે.