Mysamachar.in-જામનગર:
તાજેતરમાં જ જામનગર મ્યુનિસિપલ કમિશ્નર પટેલે એક અખબારીયાદી જાહેર કરીને લોકોને બહારથી લેવામાં આવતી ખાદ્યચીજવસ્તુઓ અને ખાસ કરીને નાસ્તો શાહીવાળા કાગળોમા ના લેવા માટે અનુરોધ કર્યો હતો,પણ આ અનુરોધની અસર હજુ સુધી તો જામનગર શહેરમા દુર-દુર સુધી જોવા મળતી નથી,ફેરિયાઓ કે દુકાનવાળા મોટાભાગે અખબારના પાનામાં લપેટીને ખાવાની વસ્તુ આપતા હોય છે. શું આ પ્રકારે આપેલું ખાવાનું આરોગવું એ યોગ્ય છે? વિશેષજ્ઞોના કહેવા મુજબ આ પ્રકારના ભોજનથી અનેક પ્રકારના નુકસાન થતા હોવાનું સામે આવી ચુક્યું છે.
શાહીયુક્ત અખબારમા જ શા માટે આવી ચીજવસ્તુઓ ના લેવી તેનું કારણ એવું પણ છે કે અખબારના છાપકામ સમયે જે ખાસ શાહીનો ઉપયોગ થાય છે તેમાં નુકસાનકારક કેમિકલ હોય છે.આ રસાયણ એટલા ખતરનાક હોય છે કે તે કેન્સર જેવી ઘાતક બીમારીનું કારણ પણ બની શકે છે. અખબાર પર ગરમ વસ્તુ રાખવાથી ક્યારેક તેની શાહી ખાવાના પણ ચોંટી જતી હોવાનું આપણે અનેકવખત જોયું હશે…
FSSAI એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પણ કહ્યું છે કે અખબારમાં લપેટીને ખાવામાં લેવાતું ભોજન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.છતાં પણ ખાસ કરીને બહારના નાસતા આરોગવાના આપણા શોખીનો ગરમાગરમ નાસતો આવી શાહીવાળા કાગળોમાં વીટાળીને કા તો ઘર પર લાવે છે અથવા જે તે ખાણીપીણી દુકાન પર આરોગી લે છે..
અખબારને છાપવા માટે ઉપયોગમાં લેવાતી શાહીનું સેવન કરવાથી જે કેમિકલ તમારા પેટમાં જાય છે તેનાથી સૌથી પહેલા તો પાચન સંબંધી સમસ્યાઓ થાય છે. આ કેમિકલથી હોર્મોન્સ પણ પ્રભાવિત થાય છે. અખબારમાં વીંટવામાં આવેલ તૈલી ભોજન વધુ જોખમી બની જાય છે. તેની સાથે ચોંટીને જે હાનિકારક તત્વો તમારા પેટમાં જાય છે તેનાથી મૂત્રાશય અને ફેંફસાનું કેન્સર પણ થઈ શકવાની શક્યતાઓને પણ નકારી શકાય તેમ ના હોવાનું તજજ્ઞો જણાવે છે.