Mysamachar.in-ગાંધીનગર:
થોડાં સમય અગાઉ એવું જાહેર થયેલું કે દરેક જિલ્લાના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને કહેવામાં આવેલું કે, તમારાં જિલ્લાના જુદાં જુદાં તાલુકાના કોઈ કોઈ ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી, તપાસ કરો, લોકોની ફરિયાદો શું છે. ત્યારબાદ આ અધિકારીઓએ વિવિધ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી, લોક ફરિયાદો જાણી, સ્થાનિક આગેવાનો સાથે જરૂરી સંકલન કર્યું, એમ પણ કહેવાય છે.
ત્યારબાદ આ બધાં જ જિલ્લાઓના આ રેન્ડમ સર્વે ગાંધીનગર પહોંચી ગયા. જેનો સંબંધિતોએ અભ્યાસ કરી લીધો. જરૂરી હોમવર્ક કરી લીધું. એક ચેકલિસ્ટ બનાવી લીધું. હવે આ ચેકલિસ્ટ આ અધિકારીઓને આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે, હવે તમારાં જિલ્લાના એક એક ગામની ‘કહાણી’ તૈયાર કરો અને ગાંધીનગર મોકલાવી આપો. સૂત્ર એમ કહે છે, સરકારે બધાં જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને આ કામગીરીઓ સોંપી છે.
સૂત્ર કહે છે: આગામી સમયમાં એટલે કે ચોમાસું પૂર્ણ થયે સરકાર રાજ્યમાં પંચાયતો અને પાલિકાઓની, લાંબા સમયથી પડતર ચૂંટણીઓની જાહેરાત કરવા ચાહે છે. તે પહેલાં રાજ્યમાં જમીની હકીકતો જાણવા ઈચ્છે છે. જો કે, કેટલાંકનું માનવું છે કે, સરકાર પક્ષની સંગઠન પાંખનું નેટવર્ક છેક બૂથ લેવલ સુધી ધરાવે છે, ત્યાંથી સરકારમાં જમીની હકીકતો નહીં પહોંચતી હોય ?! અને, આ ઉપરાંત સરકાર પાસે છેક ગ્રામ્ય કક્ષા સુધી ગુપ્તચર તંત્ર પણ હોય છે, તેમને આ રાજકીય ટાસ્ક નહીં સોંપવામાં આવ્યું હોય ? કે પછી, સરકાર ત્રણેય સોર્સ એક્ટિવ રાખી, કોઈ નવી જ રણનીતિના મૂડમાં છે ?
કેટલાંક વળી એમ પણ માને છે કે, તાજેતરની લોકસભા ચૂંટણીઓમાં શાસકપક્ષ સમગ્ર રાજ્યમાં વિજયને વરેલો હોય, કેન્દ્રમાં નવી સરકારની રચના સાથે જ હવે ખરેખર લોક ફરિયાદો જાણવા ચાહે છે. વાતો ઘણી થઈ રહી છે, હકીકત એ છે કે, સરકારની આ પોલિસી અધિકારીઓ માટે આકરી પૂરવાર થશે. અને અધિકારીઓની આ બે મહત્ત્વની કેડર આ ‘સરકારી’ કામમાં રોકાયેલી રહેશે ત્યાં સુધી લોકોના રૂટિન કામો પર ધ્યાન આપી શકાશે ? કે પછી, ફરિયાદો તથા વિલંબ વધશે ?? ઘણાં જો અને તો દેખાઈ રહ્યા છે.(file image)