Mysamachar.in:જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજયમાં લાંબા સમયથી GAS અધિકારીઓની નિમણૂંકો, બદલીઓ અને હાયર પગારધોરણમાં સમાવેશની કામગીરીઓ બાકી હતી, આખરે આ હુકમો જાહેર થયા છે, રાજયમાં કુલ 110 જગ્યાઓ માટે આ આદેશો થયા છે, જેમાં જામનગરના 3 અધિકારીઓનો સમાવેશ થયો છે.
જામનગર મહાનગરપાલિકામાં ઘણાં લાંબા સમયથી ડેપ્યુુટી કમિશનરની જગ્યા ખાલી હતી, આ હોદ્દાનો વધારાનો ચાર્જ ઘણાં સમયથી સિટી ઈજનેર ભાવેશ જાનીને સોંપવામાં આવ્યો હતો. હવે તેઓને આ વધારાની જવાબદારીમાંથી મુક્ત કરી, આ જગ્યા પર Y.D. ગોહિલની નિમણૂંક કરવામાં આવી છે.
જામનગર જિલ્લા પંચાયતમાં નાયબ DDO તરીકે ઘણાં સમયથી ફરજો બજાવી રહેલાં A.S.મંડોતની બદલી રાજકોટ થઈ છે. તેઓને SPIPA ટ્રેનિંગ સેન્ટરમાં ડેપ્યુુટી ડાયરેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે.
આ ઉપરાંત જામનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મુખ્ય અધિકારી N.F. ચૌધરીની બદલી જૂનાગઢ ખાતે નિવાસી અધિક કલેક્ટર તરીકે થઇ છે. તેઓના સ્થાને જામનગરમાં DRDA ના ડાયરેક્ટર તરીકે કુ. S.M.કાથડની નિમણૂંક થઈ છે.
જામનગર જિલ્લા પંચાયતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીની જગ્યા હાલ ખાલી રહેશે. મંડોતના સ્થાન પર કોઈ અધિકારીને નિમણૂંક આપવામાં આવી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર જિલ્લા પંચાયતમાં અગાઉ પણ ઘણી જગ્યાઓ ખાલી જ છે, વધુ એક મહત્વની જગ્યા આ રીતે ખાલી રહેતાં જિલ્લાભરના નાગરિકોને આ વધારાનો ગેરફાયદો સહન કરવાનો રહ્યો.