Mysamachar.in-ગાંધીનગર:
જન સામાન્યનો અનુભવ એવો છે કે, ભ્રષ્ટાચાર વ્યાપક છે. પરંતુ આજે ભ્રષ્ટાચાર વિરોધી દિવસે જ જાહેર થયું કે, ભ્રષ્ટાચારને નાથવાની દિશામાં અસરકારક કામગીરીઓ થતી નથી. ખુદ સરકારના આયોગનો અહેવાલ આમ કહે છે.
આજે 9 ડિસેમ્બર ભ્રષ્ટાચાર વિરોધી દિવસ. આજે જાહેર થયેલો અહેવાલ જણાવે છે કે, પાછલાં 10 વર્ષ દરમ્યાન સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારની 1 લાખ ફરિયાદ દાખલ થઈ.
રાજ્યના વિજિલન્સ કમિશનના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે, ઘણાં કેસોમાં આક્ષેપિતો સામેની ખાતાકીય તપાસ દરમ્યાન ગંભીર આરોપો પૂરવાર થયા પછી, આરોપીને નાની શિક્ષા કરી પ્રકરણ બંધ કરી દેવામાં આવે છે. આ ધડાકો દર્શાવે છે કે, ભ્રષ્ટાચારીઓને બચી જવાની સુવિધાઓ કરી આપવામાં આવે છે.
છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન લાંચ રૂશવત વિરોધી તંત્ર દ્વારા ભ્રષ્ટાચારના 1,475 કેસમાં ચાર્જશીટ ફાઇલ થયા. જે પૈકી માત્ર 12 ટકા કેસ એટલે કે 187 કેસ જ સાબિત થઈ શક્યા છે, એમ આ અહેવાલ જણાવે છે.
વર્ષ 2015માં વડોદરામાં ભૂતિયા શિક્ષકોની ભરતીનો એક કેસ હતો, જેમાં 7 વર્ષનો વિલંબ થતાં કાર્યવાહીઓ જ ન થઈ. વર્ષ 2004માં પોલીસ વિભાગના એક ASI અને એક ડ્રાઈવર વિરુદ્ધ સજાની ભલામણ થઈ પણ એ બંને નિવૃત થઈ જતાં મામલાનો વીંટો વાળી દેવામાં આવ્યો.
આ ઉપરાંત પોરબંદર-દ્વારકા ધોરીમાર્ગ પર એક ફ્લાયઓવર તૂટી પડવાની ઘટનામાં માર્ગ મકાન વિભાગના 13 પૈકી 11 કર્મચારીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહીઓ ન થઈ, કારણ એવું બહાર આવ્યું કે આ કર્મચારીઓ નિવૃત થઈ ગયા છે.
ભ્રષ્ટાચારની રોજ સરેરાશ 30 ફરિયાદ દાખલ થાય છે. પાછલાં પાંચ વર્ષ દરમ્યાન સૌથી વધુ ફરિયાદ 2023માં દાખલ થઈ. આ અહેવાલ કહે છે: ભ્રષ્ટાચારના આરોપીઓને બચાવી લેવા સરકારી વિભાગો વિલંબથી અહેવાલ તૈયાર કરે છે. કસૂરવાર સામે પુન:ભલામણ મેળવવા વિભાગ દરખાસ્ત તૈયાર કરે છે. ખાતાકીય તપાસમાં બચાવ માન્ય રાખી સંબંધિતને દોષમુક્ત જાહેર કરી દેવામાં આવે છે.
પાછલાં પાંચ વર્ષ દરમ્યાન રાજ્યમાં કુલ 1,448 ભ્રષ્ટાચારીઓ કુલ રૂ. 6 કરોડની લાંચ લેતાં ઝડપાયા. જે પૈકી સૌથી વધુ લાંચ ગૃહ એટલે કે પોલીસ વિભાગમાં, બીજા નંબરે પંચાયત (ગ્રામ), ત્રીજા નંબરે મહેસૂલ વિભાગ છે અને ચોથા નંબરે શહેરી વિકાસ વિભાગ છે.


