Mysamachar.in-જામનગર:
જામનગર વધુ એક વખત કૌભાંડમાં ચમકી ગયું. એક એડવોકેટ-કમ-ટેકસ કન્સલ્ટન્ટ અને એક ઉદ્યોગપતિ એમ કુલ 2 ની ધરપકડ અને રિમાન્ડની કાર્યવાહીઓ થઈ છે. જામનગરમાં આ માટે 2 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતાં. ડાયરેક્ટર જનરલ ઓફ GST ઈન્ટેલિજન્સ (DGGI)-સુરત એ 2 વ્યક્તિની ધરપકડ કરી છે. બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) સિસ્ટમમાં આ કાંડ કરવામાં આવ્યું છે અને મામલો રૂ. 30 કરોડનો છે.
સુરત DGGI એ જે 2 ની ધરપકડ કરી છે તે પૈકી એકનું નામ રોહિત સંઘાણી છે, જે ટેક્સ કન્સલ્ટન્ટ અને એડવોકેટ છે, બીજાનું નામ વિશાલ ગોંડલિયા છે, જે RD એન્ટરપ્રાઈઝનો માલિક છે. આ બંને જામનગરના છે, બંનેને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવતાં અદાલતે બંનેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
આ મામલામાં રોહિત સંઘાણીએ અન્ય આરોપીને કુંડાળુ ચિતરવાની વ્યવસ્થાઓ કરી આપી હતી. સુરત DGGI સુરતના એક કૌભાંડની તપાસ કરી રહ્યું હતું એ સમયે જામનગરના તાર પણ મળી આવ્યા. બાદમાં જામનગર ખાતે તપાસ થઈ. જેમાં આ 2 વ્યક્તિની સંડોવણી બહાર આવી.
સુરત DGGI એ જામનગરમાં તપાસ કરી ત્યારે વિગતો બહાર આવી કે, અહીં રૂ. 23 કરોડની ITC બોગસ રીતે કલેઈમ કરવામાં આવી છે. DGGI એ શહેરના રણજિતસાગર રોડ પર વિશાલ ગોંડલિયાની પ્રિમાઈસિસમાં દરોડો પાડ્યો હતો. અહીંથી મોબાઈલ ફોન અને ટેબ્લેટ સહિતના ડિજિટલ સાધનો કબજે લેવામાં આવ્યા. આ જગ્યા તેનું નિવાસસ્થાન છે.
આ ઉપરાંત DGGI એ જાહેર કર્યું કે, ટેક્સ કન્સલ્ટન્ટ રોહિત સંઘાણીએ બોગસ કંપનીઓ બનાવી છે, બોગસ બિલિંગ કૌભાંડ કર્યું છે અને એ માટે બોગસ ઈ-વે બિલ પણ બન્યા છે. સિદ્ધિ વિનાયક બિઝનેસ સેન્ટરમાં ઓફિસ ધરાવતા રોહિત સંઘાણી આ કામના બદલામાં કમિશન મેળવતા હતા. DGGI એ આ લોકેશન પર ડિસેમ્બરના પ્રારંભમાં દરોડો પાડ્યો હતો.


