Mysamachar.in-ભરૂચ:
ગુજરાતમાં વધુ એક સવાર, વધુ એક પરિવાર માટે ગોઝારી સાબિત થઈ છે. એક કાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બેફામ ગતિએ દોડી રહી હતી અને ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો. આ કાર ધડાકાભેર આગળ જઈ રહેલાં એક ટ્રકમાં ઘૂસી ગઈ. આ કારમાં 7 સભ્યોનો એક પરિવાર અજમેરથી પરત મુંબઈ ફરી રહ્યો હતો. ત્યારે, આ અકસ્માત અંકલેશ્વર બારકોલ બ્રિજ નજીક સર્જાયો હતો. જેમાં પરિવારના 3 સભ્યોનો ભોગ લેવાયો અને અન્ય 4 સભ્યોને ઈજાઓ પહોંચી છે.
આ ઘાતક અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર સર્જાયો. વહેલી સવારે આ અર્ટિગા કાર બેકાબૂ બનતાં અકસ્માત થયો. 4 ઈજાગ્રસ્તોને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં, સંબંધિત તંત્રો ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં અને જરૂરી કામગીરીઓ હાથ ધરી હતી. આ અકસ્માતને પગલે આ અતિ વ્યસ્ત ધોરીમાર્ગ પર ટ્રાફિક જામ પણ થયો હતો.(પ્રતીકાત્મક તસ્વીર)