Mysamachar.in-નડીયાદ:
ગોઝારા અકસ્માતોનો સિલસિલો અટકવાનું કે ઘટવાનું નામ લેતો નથી. લોહીથી લથબથ સમાચારો ધોરીમાર્ગો પર સર્જાઈ રહ્યા છે અને કોઈના વાંકે કોઈની જિંદગીઓ મોતની સોડમાં સપડાઈ રહી છે. અકસ્માતો ઘટાડવાની દિશામાં કશી જ કામગીરીઓ ન કરતાં તંત્રો, અકસ્માત સર્જાઈ ગયા બાદ ઘટનાસ્થળે પહોંચી રઘવાયા બને છે.
આવો વધુ એક ઘાતક અકસ્માત અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ ધોરીમાર્ગ પર નડિયાદ નજીક સર્જાયો છે. નડિયાદથી થોડે દૂર આવેલાં બિલોદરા બ્રિજ પાસે આ અકસ્માત મંગળવારે મોડી રાત્રે સર્જાયો. એક પૂરપાટ ગતિએ જતી કારનું ટાયર ફાટી ગયું. કાર ડિવાઇડર કૂદી રોંગ સાઈડમાં પહોંચી, એ જ સમયે સામેથી એક ટ્રક આવી રહ્યો હતો. કાર ટ્રકમાં ધડાકાભેર અથડાઈ ગઈ. કારમાં મહિલાઓ સહિત કુલ પાંચ લોકો હતાં. કારના ફૂરચેફુરચા ઉડી ગયા. કારમાં બેઠેલાં લોકો પૈકી એક મહિલા અને બે પુરૂષ આ ગોઝારા અકસ્માતમાં ઘટનાસ્થળે જ તરફડી કાયમ માટે શાંત થઈ ગયા. અન્ય બે ગંભીર ઈજાઓ પામેલાં લોકોને નડિયાદ રૂરલ પોલીસ અને એક્સપ્રેસ પેટ્રોલિંગ પોલીસે 108ની મદદથી તાકીદની સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડયા. ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં માર્યા ગયેલા અને ઈજાઓ પામેલા લોકોની ઓળખ જો કે હજુ સુધી જાહેર થઈ નથી.