Mysamachar.in:કચ્છ
જામનગરના પૂર્વ કમિશનર પ્રદીપ શર્મા વિરુદ્ધની પોલીસ તથા અદાલતી કાર્યવાહીઓ થંભવાનું નામ લેતી નથી. તેઓ વિરુદ્ધ કચ્છની એક જમીન મામલે ખુદ સરકારે FIR દાખલ કરાવતાં કચ્છમાં ફરીથી ચર્ચાઓ શરૂ થઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે તેઓ કચ્છ ખાતે કલેક્ટર હતાં ત્યારના વિવિધ પ્રકરણ ફંફોસવામાં આવી રહ્યા છે. શર્મા લાંબા સમયથી સકંજામાં છે. કચ્છના તત્કાલીન કલેક્ટર, નિવૃત IAS પ્રદીપ શર્મા વિરુદ્ધ જમીન ફાળવણી મુદ્દે વધુ એક ફરિયાદ, બોર્ડર ઝોન સીઆઈડીમાં દાખલ થઈ છે. આ ફરિયાદમાં તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર અને આરોપી સંજય છોટાલાલ શાહના નામો છે. હાલ આ જમીનની કિંમત રૂપિયા 19 કરોડ છે. 19 વર્ષ અગાઉ આ જમીન ફાળવણી થયેલી, જે પ્રકરણમાં ભૂજ શહેર મામલતદાર કલ્પના ગોંદીયાએ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં કહેવાયું છે કે, પ્રદીપ શર્મા કચ્છ કલેક્ટર હતાં તે દરમિયાન ભૂજ શહેરની સરકારી સર્વે નંબર 870 પૈકીની એક જમીનના કાયદેસરના કસ્ટોડિયન હતાં. તે સમયે ભૂજના સંજય છોટાલાલ શાહે સર્વે નંબર 709 પૈકીની એક જમીન ખાનગી જમીનમાલિકો પાસેથી ખરીદ કરી હતી. આ ખાનગી જમીનને લાગુ સરકારી જમીન રોડ ટચ હતી. તેથી આરોપી સંજય શાહે તત્કાલીન શહેર મામલતદાર પાસે આ રોડ ટચ જમીન ખરીદવા માંગણી કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, આ માંગણીના પાંચ દિવસ અગાઉ જ આ જમીન ખેતીની જમીન તરીકે પ્રમાણિત થઈ હતી.
ત્યારબાદ સરકારી તંત્રોના અભિપ્રાયો અને નિર્ધારીત કરવામાં આવેલો ભાવ તથા ચાર શરતો સાથે આ જમીન સંજય શાહને આપવા નિર્ણય થયો. આ નિર્ણયને મંજૂર રાખી તત્કાલીન કલેક્ટર પ્રદીપ શર્માએ આ જમીનના હકકપત્રક પ્રમાણિત કર્યા. સાથે જ, આ જમીનનો બિનખેતીનો પરવાનગીનો હુકમ, રહેણાંક હેતુ માટે કરવામાં આવ્યો. આ પ્રકરણમાં સરકારની જોગવાઇનો ભંગ થયો છે એવું ફરિયાદીએ જણાવ્યું છે. આ પ્રકરણ 19 વર્ષ પહેલાંનું છે. જમીનના ત્યારના બજારભાવ અને હાલના બજારભાવ વચ્ચે બારેક કરોડનો તફાવત દેખાય છે. તત્કાલીન કલેક્ટર દ્વારા આ હુકમ પોતાની સતામાં ન હોવા છતાં કરવામાં આવ્યો હતો, એમ ફરિયાદ કહે છે.