Mysamachar.in-સુરેન્દ્રનગર:
જામનગર સહિત ગુજરાતમાં હવે જીવલેણ અકસ્માતોની ખબરોથી કોઈને નવાઈ ન લાગે, એવી કરૂણ અને કમનસીબ સ્થિતિઓ જોવા મળી રહી છે. નિર્દોષ લોકો રોજ કમોતે મરી રહ્યા છે, આજિવન અપાહિજ બની રહ્યા છે, અનેક પરિવારો હીબકાં ભરવા મજબૂર છતાં કયાંય, કોઈને ઘાતક અકસ્માતો સંબંધે ગંભીર બનવાનું ન સૂઝે એટલી હદે અસંવેદનશીલતા !!
વધુ એક કમકમાટીભર્યો અકસ્માત ગત્ મોડી રાત્રે ધ્રાંગધ્રા-માલવણ ધોરીમાર્ગ પર સર્જાયો. એક ઈકો કાર પૂરપાટ વેગે ટ્રકમાં ઘૂસી ગઈ. ઈકોમાં બેઠેલાં સાત પૈકી ત્રણના અકાળે મોત અને બાકીના ચાર ગંભીર રીતે ઈજાઓ પામ્યા. મૃતદેહો અને ઈજાગ્રસ્તોને વાહનના પતરાં ચીરી બહાર કાઢવા પડ્યા એવો ભયાનક અકસ્માત.

આ અકસ્માતમાં માર્યા ગયેલાં હતભાગીઓના નામો: પ્રફુલ્લાબેન ગિરીશભાઈ મારૂ(56), વિશાલ કમલેશભાઈ મારૂ(24) અને કિશોરભાઈ મોહનભાઈ ડાભી(65)- આ ત્રણેય મૃતકો ધ્રાંગધ્રાના રહેવાસીઓ હતાં. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પામનાર ચાર લોકોના નામો: ચેતનાબેન કમલેશભાઈ મારૂ(40), ભાવિન ગિરીશભાઈ મારૂ(28), કૌશલ ભાવિનભાઈ મારૂ(9) અને કમલેશભાઈ ખીમજીભાઈ મારૂ(55). આ મારૂ પરિવાર ધ્રાંગધ્રાથી લગ્નપ્રસંગે અમદાવાદ આવેલો અને અમદાવાદથી પરત ફરી રહ્યો હતો ત્યારે, ધ્રાંગધ્રા-માલવણ ધોરીમાર્ગ પર હરિપર ગામ નજીક આ જીવલેણ અકસ્માત સર્જાયો હોવાની વિગતો બહાર આવી છે.