Mysamachar.in-જામનગર:
પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગથી ધમકી મળે છે તેવી વાત કરનાર જામનગરનો સાગર ખુદ કાયદાના સંકજામાં ફસાયો છે, જામનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં આવેલ આ મામલે આજે ફરી બે ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ છે તેની જાહેર થયેલ વિગતો એવી છે કે
જામનગરના એક કારખાનેદાર સાથે બ્રાસનો ભંગાર ખરીદવાના બહાને છેતરપિંડી કરવા અંગે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, ત્યારબાદ તેની સામે વધુ રૂપિયા ૨૦ લાખના ચીટીંગ નો ગુનો નોંધાયો છે. જ્યારે પોતાની પાસેથી પૈસા કઢાવવા માટે મોબાઈલ ફોનમાં ‘તુજે ઘરશે ઉઠવા લુંગા’ તેવી ધમકી આપ્યાની ચીટર શખ્સ દ્વારા વળતી ફરિયાદ પણ નોંધાવાતા આ મામલો ફરી ચર્ચામાં આવ્યો છે,
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા સાગર કાળુભાઈ નંદાણીયા કે જેની સામે તાજેતરમાં સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં બ્રાસપાર્ટ ના એક વેપારીએ સી ડિવિઝન પોલીસ મથકમાં રૂપિયા તેર લાખના ચિટિંગ અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોતાને કારખાનેદાર તરીકેની ઓળખ આપી બ્રાસનો ભંગાર ખરીદ કરી પૈસા ચૂકવવામાં હાથ ઊચા કરી લીધા હતા. જે અંગે ગુનો દાખલ થયા બાદ તેની સામે વધુ એક કારખાનેદાર સામે આવ્યા છે.
હાલ જામનગરમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના પુણેના વતની ખુશાલસિંહ રઘુજી રાજપુત કે જેઓ પોતે ઉદ્યોગનગર વિસ્તારમાં વ્યવસાય કરે છે, જેની પાસેથી સાગર કાળુભાઈ નંદાણીયાએ મનીષ જૈન નામના અન્ય વેપારીનું ખોટું નામ ધારણ કરીને તેમજ મોદી મેટલ નામની અન્ય પેઢીના જીએસટી નંબર રજૂ કરીને 21 લાખ જેટલો બ્રાસનો ભંગાર ખરીદ કર્યો હતો, અને તેની રકમ ચૂકવવામાં ઠાગાઠૈયા કરતાં આખરે તેની સામે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસ પૂછપરછ દરમિયાન તેને કારખાનેદાર રાજસ્થાનના ખુશાલસિંહ રાજપુતે મોબાઈલ ફોનમાં ધમકી આપ્યા અંગેની વળતી ફરિયાદ પણ નોંધાવી છે. પોતાની પાસેથી પૈસા કઢાવવા માટે મોબાઈલ ફોનમાં તો ‘તુજે ઘર સે ઉઠવા લુંગા’ તેવી ધમકી આપી હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું છે. જેથી પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં સાગર નંદાણીયાની ફરિયાદના આધારે કારખાનેદા ખુશાલસિંહ રાજપુત સામે વળતી ફરિયાદ નોંધવામાં આવી છે.આમ આ બન્ને ફરિયાદોને આધારે પોલીસ અલગ અલગ દિશાઓમાં તપાસ ચલાવી રહી છે.