Mysamachar.in-
થોડા દિવસો પૂર્વેની જ વાત છે કે જામનગર ખંભાલીયા હાઈવે પર મોટી ખાવડી નજીક મહેસાણા પાસીંગની કારે દ્વારકા જઈ રહેલ મોરબીના રવાપર ગામના પદયાત્રીઓને અડફેટ લેતા ત્રણ પદયાત્રીઓના સ્થળ પર જ જયારે 1 પદયાત્રીનું સારવાર દરમિયાન મોત થયું હતું ત્યાં જ દ્વારકાધીશના દર્શને જઈ રહેલ પદયાત્રીઓને વધુ એક અકસ્માત નડ્યો હોવાની માહિતી સામે આવી રહી છે.
દ્વારકા ખાતે કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે સંઘમાં નીકળેલા સુરેન્દ્રનગર જિલ્લાના પદયાત્રીઓ દ્વારકાથી આશરે ચાર કિલોમીટર દૂર મૂળવાનાથની જગ્યા પાસે પહોંચ્યા, ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા આઈ-20 મોટરકાર નંબર GJ-10-AP-7465 ના ચાલકે તેઓને અડફેટે લેતા આ ટક્કરમાં રઘુભાઈ વળાભાઈ ભુંગોર, વીરાભાઈ, નરસંગભાઈ ભગવાનભાઈ ભુંગોર, ધીરુભાઈ દેવાભાઈ ઠાકોર તેમજ મીઠાભાઈ હરિભાઈ આલને ફ્રેકચર સહિતના 5 પદયાત્રીઓને નાની-મોટી ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે મીઠાભાઈ રબારીની ફરિયાદ પરથી આઈ-20 કારના સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.