Mysamachar.in:જામનગર
જામનગર જિલ્લા પંચાયતમાં ઘણાં સમય પછી કોઈ કર્મચારીને સસ્પેન્ડ કરવાનો આદેશ થયો છે. આ સમગ્ર પ્રકરણમાં હજુ સુધી ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી ન હોય, તેની પણ ચર્ચા શરૂ થઈ છે. અને, આ પ્રકરણમાં નાણાંકીય ઉચાપત થઈ છે કે કેમ ? કેટલી રકમની ઉચાપત થઈ છે ? વગેરે મુદ્દાઓ પણ તપાસનો વિષય છે, એવી પણ ચર્ચા છે.
જામનગર જિલ્લા પંચાયતનાં તાજેતરમાં બદલી પામેલાં, તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલે કરેલાં આદેશનાં અનુસંધાને માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)દ્વારા હરિસિંહ પી. ગોહિલ નામનાં ઈલેક્ટ્રિશયનને સસ્પેન્ડ કરતો હુકમ કરવામાં આવ્યો છે. એવું જાણવા મળ્યું છે કે, પંચાયતની વિકાસ શાખા દ્વારા સ્ટેમ્પ ડયુટી/ રોયલ્ટી/ સ્વભંડોળની ગ્રાન્ટમાંથી LED લાઈટોની વહીવટી મંજૂરી બાદ લાઈટોના ફિટીંગ અંગે કંપ્લીશન સર્ટિ.માં નાયબ કાર્યપાલક ઈજનેરની બનાવટી સહી કરવાનું ગુનાહિત કૃત્ય આચરવામાં આવ્યું છે. સુત્રો કહે છે આવું એક કરતા વધુ વખત થયું છે.
ડીડીઓની સૂચના પછી, માર્ગ અને મકાન વિભાગે જાહેર કર્યું છે કે, આ કર્મચારીને હાલનાં સંજોગોમાં ફરજ પર ચાલુ રાખવા વહીવટના હિતમાં જણાતું ન હોય તેમજ તેમને ફરીથી આવી ગંભીર પ્રકારની અનિયમિતતા કે પ્રામાણિકતાનો અભાવ દર્શાવવાની તક મળી ન રહે તે હેતુથી ગુજરાત પંચાયત સેવા(શિસ્ત અને અપીલ) નિયમ-1997 નાં નિયમ-5(1) હેઠળ આ કર્મચારીને સરકારી ફરજમાંથી તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી હેઠળ મૂકવાનો આદેશ કરવામાં આવ્યો છે.