Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
ખંભાળિયા તાલુકાના જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારોમાં વીજપોલ ઉભા કરવા અંગેની ખાનગી કંપની દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં ખેડૂતોને પ્રમાણમાં ખુબ જ અપુરતું વળતર આપી અને અતિરેક તથા અન્યાય થતો હોવાના આક્ષેપો થયા છે. આ મુદ્દે હવે પીડિત ખેડૂતો દ્વારા એકસંપ કરી અને આ કથિત અન્યાય સામે અવાજ ઉઠાવવા તેમજ આંદોલન સહિતના પગલાં લેવા માટેનું રણશીંગુ ફૂંકવામાં આવ્યું છે.
ખંભાળિયા તાલુકાના ભટ્ટગામથી ભચાઉ સુધી 400 કે.વી. વીજલાઈન અંગેનો પ્રોજેક્ટ કાર્યરત છે. આ માટે ખંભાળિયા તાલુકામાં આશરે 52 જેટલા વીજપોલ ઉભા કરવાની કામગીરી જે.કે.ટી.એલ. કંપનીને સોંપવામાં આવી છે. આ કંપની દ્વારા હાથ ધરવામાં આવેલી વીજપોલ અંગેની કામગીરીમાં ખેડૂતોને ખુબ જ અપૂરતા વળતર તથા તેમના આ સંદર્ભેના અજ્ઞાનતાનો ગેરલાભ લઈ અને કામગીરી થતી હોવાના આક્ષેપો હવે વધુ ઉગ્ર બની રહ્યા છે. કંપની દ્વારા વીજપોલ અંગે ખેડૂતોને અપાતા વળતરની વિસંગતતા તેમજ રાજ્યના અન્ય વિસ્તારોમાં એક વીજપોલ સામે ખેડૂતોને અપાતું વળતર અહીં કરતાં અનેક ગણું વધારે હોવાની બાબતે ખંભાળિયા પંથકના ખેડૂતો હવે એકજુટ બની ગયા છે અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન સાથે કાયદાકીય લડત આપવાની તજવીજ કરી રહ્યા છે.
ખંભાળિયા તાલુકામાં વીજ લાઈન માટે ઉભા કરાતા વીજપોલ સામે કેટલાક ખેડૂતોને માત્ર દોઢેક લાખ જ્યારે કેટલાક ખેડૂતોને રૂ. સાતેક લાખ સુધીનું વળતર આપવામાં આવ્યુ હોવાનું જાણવા મળ્યું છે. સરકારી ધારાધોરણ મુજબ જો વળતર આપવામાં આવતું હોય તો આટલી બધી વિસંગતતા કેમ? તેવા સવાલો ખેડૂતોમાં ઉઠવા પામ્યા છે. જ્યારે નવાઈની બાબત તો એ છે કે આ જ પ્રકારની પ્રોજેક્ટ કચ્છ જિલ્લામાં પણ હાલ કાર્યરત છે. હાલારની જમીનના ભાવ કચ્છની બંજર જમીન કરતાં ઘણા વધારે છે. પરંતુ ત્યાં વીજપોલ સામે અપાતું વળતર અહીં કરતાં આશરે 8 થી 10 ગણું વધારે આપવામાં આવે છે. આ એક જ પ્રોજેક્ટમાં વળતરમાં આટલો બધો ફેરફાર અહીંના ખેડૂતો માટે ખૂબ જ અન્યાયકર્તા હોવાનો ચણભણાટ અહીંના ખેડૂતોમાં વ્યાપી ગયો છે.
અજાણ ખેડૂતોને યેન-કેન પ્રકારે સમજાવી અને તેઓના કિંમતી ખેતરમાં વિશાળ થાંભલા ઉભા કરી દેવામાં આવ્યા છે. કેટલાક જાગૃત ખેડૂતો તથા આગેવાનો દ્વારા કંપની સત્તાવાળાઓ પાસે આ અંગેના વર્ક ઓર્ડર, પરિપત્રની નકલ કે ફાઇનલ નકશો માંગવામાં આવે તો તે તમામ દસ્તાવેજો આપવામાં આવતા નથી. જે પણ કેટલીક શંકાઓ ઊભી કરે છે.જમીન અંગેના સરકારના પ્રમોલગેશનમાં થયેલા છબરડા સંદર્ભે વીજપોલ અંગેની નોટીસ અન્ય વ્યક્તિને આપવામાં આવે છે, જ્યારે વીજપોલ બીજા વ્યક્તિના ખેતરમાં ઉભા કરાઈ રહ્યા છે. આ મુદ્દે આંતરિક ડખ્ખા સાથે પોલીસ ફરિયાદની તજવીજ કરવી પડે તેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ હતી. આવા અનેક વિવાદો હજુ પણ યથાવત છે. અપૂરતા વળતર, નિયમ મુજબ કરવાની થતી કામગીરી વિગેરે મુદ્દે અભણ એવા અનેક ખેડૂતોને તેઓના ખેતરમાં વીજપોલ ઉભા કરવા માટેના એગ્રીમેન્ટ, કરાર કે ફાઇનલ વળતર અંગે તમામ દસ્તાવેજો આપવામાં આવતા નથી.
આ તમામ શંકાસ્પદ બાબત તથા અન્યાયના મુદ્દે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ મુદ્દે જાગૃત બનેલા ખેડૂતો હવે સંગઠીત બની રહ્યા છે. જે સંદર્ભે અહીંના ભટ્ટગામ ખાતે સ્થાનિક ખેડૂતોની એક મિટિંગ કિશાન આગેવાનો અધ્યક્ષતામાં યોજાઇ હતી. કિશાન કોંગ્રેસ સમિતિના નેતા પાલભાઈ આંબલિયા તથા દેવુભાઈ ગઢવીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ મિટિંગમાં ખેડૂતો દ્વારા આ મુદ્દે હૈયા વરાળ ઠાલવવામાં આવી હતી. ખેડૂતોને થયેલા નુકશાન બાબતે આગામી દિવસોમાં મિટિંગ બાદ રાજ્ય કક્ષાના કિશાન આગેવાનોને સાથે રાખીને ઉગ્ર આંદોલન તથા કાયદાકીય રીતે લડત આપવાની સામુહિક તૈયારીઓ પણ આદરવામાં આવી છે.