Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં છેલ્લા કેટલાંક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિઓ ચર્ચાઓમાં રહેતી હોય, આ સંબંધે ગૃહરાજ્યમંત્રી પર ‘દબાણ’ જોવા મળી રહ્યું છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર રાજ્યનો ગૃહ વિભાગ નિશાન પર જોવા મળે છે. આ સ્થિતિઓ વચ્ચે ગૃહરાજ્યમંત્રીએ પોતાના હસ્તકના પોલીસવિભાગને આકરાં શબ્દોમાં ‘સમજી’ જવા કહેતાં DySPથી માંડીને IPS સુધીના પોલીસ અધિકારીઓમાં દોડધામ થઈ ગઈ છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. આ બેઠક આશરે સવા બે કલાક ચાલી હતી અને પ્રથમ વખત ગૃહરાજ્યમંત્રીએ પોલીસ અધિકારીઓને રીતસર સમજી જવા, કામ પર ચડી જવા જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ત્યાં સુધી કહી દીધું કે, પોલીસ અધિકારીઓ શું કામ કરે છે ? તેની બધી જ વિગતો ગૃહ મંત્રાલય પાસે છે.

હર્ષ સંઘવીએ કહ્યું : ટપોરીઓ સાથેની ભાઈબંધી છૂટી કરી દો, નહીંતર તમને છૂટા કરી દઈશ. વીડિયો કોન્ફરન્સની શરૂઆતમાં જ તેમણે આમ કહેતાં, સમગ્ર પોલીસબેડામાં સન્નાટો છવાઈ ગયો. તેમણે અધિકારીઓને એમ પણ કહ્યું કે, તમારૂં જ્યાં પોસ્ટીંગ થયેલું છે ત્યાં અગાઉ શું સ્થિતિઓ હતી અને તમારાં પોસ્ટીંગ બાદની પરિસ્થિતિઓ શું છે- એ રિપોર્ટ ગુરૂવારની સાંજ સુધીમાં સૌએ તૈયાર કરવાનો રહેશે.
ગૃહરાજ્યમંત્રીએ આ કોન્ફરન્સમાં એમ પણ કહ્યું કે, ગૃહ મંત્રાલયમાં એક એક અધિકારીના રિવ્યૂ પહેલાંથી જ પડેલા છે. કોણ શું કામ કરી રહ્યું છે ? અરજદારોને સાંભળે છે કે કેમ ? તેની વિગતો છે. તેથી જો કોઈએ (રિપોર્ટ આપવામાં) ગેરવર્તણૂંક કરવા પ્રયત્ન કર્યો તો, જે છે તે સ્થિતિઓ આપોઆપ સ્પષ્ટ થઈ જશે. આ બધાં રિપોર્ટ સબમિટ થયા બાદ તેના આધારે આગામી સમયમાં પોલીસ અધિકારીઓની બદલીઓ વગેરે કાર્યવાહીઓ હાથ ધરવામાં આવશે એમ જાણવા મળે છે.
કોન્ફરન્સમાં કહેવાયું કે, સમગ્ર રાજ્યમાં પોલીસ અધિકારીઓની નિગરાની હેઠળ જુદાં જુદાં પ્રકારના ગુનાઓ સંબંધે પોતપોતાના તાબામાં શું શું ચાલી રહ્યું છે, તેની વિગતો આપવાની રહેશે. ખાસ કરીને જમીન મિલકત સહિતના સંવેદનશીલ મામલાઓમાં પોલીસ શું ભૂમિકાઓ ભજવી રહી છે- એ પ્રશ્નનો ઉત્તર મેળવવામાં ગૃહ મંત્રાલયને રસ પડી રહ્યો હોવાનું આ વીડિયો કોન્ફરન્સથી સમજાઈ રહ્યું છે.
