આ સદીની સૌથી ભયાનક વિમાન દુર્ઘટના ગુજરાતમાં અમદાવાદ ખાતે સર્જાઈ હતી. જેમાં 275 લોકોએ જિવ ગુમાવી દીધાં હતાં. આ મામલાનો હાલ તપાસ તબક્કો ચાલી રહ્યો છે. દરમ્યાન, જે પરિવારોએ આ ભયંકર દુર્ઘટનામાં સ્વજનો ગુમાવી દીધાં છે એ પરિવારો આ બનાવની બધી જ કડીઓ જાણવા ઈચ્છે છે અને આથી આવા 60 જેટલાં પીડિત પરિવારોએ એવિએશન ક્ષેત્રના એક અમેરિકન નિષ્ણાંત વકીલનો સંપર્ક કરી, એમને કેસ સોંપી દીધો છે.
આ નિષ્ણાંત વકીલ કહે છે: તમામ પીડિત પરિવારો ‘કેવી રીતે આ દુર્ઘટનાએ આકાર લીધો ?’ એ અંગે બધું જ પારદર્શી રીતે જાણવા ચાહે છે. વકીલના કહેવા અનુસાર, હાલ આ દુર્ઘટનાના કારણો અંગે કશું જ કહી શકાશે નહીં પરંતુ આટલી ઝડપથી દોષનો ટોપલો પાયલોટ પર ઢોળી શકાય નહીં. સંબંધિત સત્તાવાળાઓએ બધાં જ પુરાવાઓ પારદર્શી રીતે પીડિત પક્ષના વકીલ સમક્ષ મૂકવા જોઈએ. કારણ કે આ એ પરિવારો છે જેમણે આ દુર્ઘટનામાં સ્વજનો ગુમાવી દીધાં છે અને તેથી તેઓ બધું જ જાણવા ચાહે- એ સ્વાભાવિક લેખાવું જોઈએ.
આ નિષ્ણાંત વકીલનું નામ માઈક
એન્ડ્રુઝ છે. આ વકીલ એવિએશન સંબંધે એક પ્રખ્યાત પુસ્તક પણ લખી ચૂક્યા છે. એમણે કહ્યું: આ પ્રકારના અકસ્માતમાં કોઈ સોફ્ટવેર ક્ષતિ છે કે કેમ તે પણ ચકાસવું પડે. વિમાન સંબંધિત બધી જ માહિતીઓ કંપનીએ લોકોને આપવી જોઈએ. અને વિમાન સંચાલન સંબંધિત બધી જ વિગતો વિમાન ઓપરેટર કંપનીએ જાહેર કરવી જોઈએ. આ પ્રકારના બનાવમાં પીડિત પરિવારો પારદર્શિતા ઈચ્છતા હોય છે. આ મામલામાં ફ્લાઇટ ડેટા રેકોર્ડરની અને વોઈસ રેકોર્ડરની બધી જ વિગતો સૌની સામે આવવી જોઈએ. કારણ કે તો જ સમગ્ર ઘટનાના કારણો સુધી પહોંચી શકાય.
આ ઉપરાંત આ વકીલે આડકતરી રીતે એમ પણ કહ્યું કે, આ પ્રકારની વિમાન કંપનીઓ અતિ શક્તિશાળી અને પ્રભાવી હોય છે. આ પ્રકારની ઘટનાઓ બાદ ‘સારી સ્ટોરીઝ’ પણ પ્રચાર પ્રસાર માધ્યમોમાં આવતી હોય છે, જેમાં કંપનીઓ અંગે ખૂબ સારી વાતો લખાયેલી હોય છે. જો કે, અકસ્માત એવી બાબત છે જે વિવિધ પ્રકારના કારણોસર સર્જાતા હોય છે. ઘણાં અકસ્માતો સર્જાયા છે. ઘણાં અકસ્માતોની બધી વિગતો લોકો સુધી પહોંચતી હોતી નથી. પરંતુ હકીકતો જાણવાનો સૌને, ખાસ કરીને પીડિત પરિવારોને હક્ક હોય છે.