Mysamachar.in-જામનગર:
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ ક્યારે નિર્વિવાદિત અને સુરક્ષિત બનશે તે સવાલ વધુ એક વખત ગઈકાલે લેવાયેલ ટાટની પરીક્ષા બાદ ઉભો થયો છે, જામનગરના સત્યસાઈ શાળાના યુનિટ નંબર પાંચમા લેવાયેલ ટાટની પરીક્ષા સમયે 30 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા આ મામલે પરીક્ષામાં પહોંચ્યા ત્યારે પરીક્ષામાં પ્રશ્નપત્રોના બંચ સીલ ખુલ્લા હોવાનું આક્ષેપ કરતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી,

આ મામલે વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરી હોબાળો કરવામાં આવતા ઉચ્ચ અધિકારીઓ પણ પરીક્ષા કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા અને મામલાની તપાસ કરતા પ્રાથમિક રીતે પંચ ખુલ્લા હોવાનું જણાવતા પરીક્ષા કોર્ડીનેટર દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે,

જે બાદ ગત મોડી રાત્રીના સત્ય સાઈ શાળાના કેન્દ્ર TAT પરીક્ષાના યુનિટ સ્થળ સંચાલક મનીષ બુચ સામે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં રાજ્ય પરીક્ષા બોર્ડ અને 30 વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવા અંગેની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ત્યારે પોલીસ દ્વારા આ સંચાલકની અટકાયત માટે તજવીજ હાથ ધરાઇ છે,

તો બીજી તરફ પરિક્ષામાં ગેરરીતી આચરવામાં આવી હોવાના વિદ્યાર્થીઓ દ્વારા ગંભીર આક્ષેપો કરીને આ પરીક્ષા રદ કરવાની પણ માંગણી કરવામાં આવી છે. ત્યારે લોકરક્ષક દળની પરીક્ષા બાદ ગઇકાલે લેવાયેલ TATની પરીક્ષામાં પણ કથિત ગંભીર બેદરકારી બહાર આવતા સરકારી તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે અને આ મામલે પોલીસ ફરિયાદ પણ થયેલ છે, તેવામાં કેવી રીતે TATની પરીક્ષામાં ગેરરીતી આચરેલ છે તેની સંપૂર્ણ જીણવટભરી તપાસ બાદ જ સત્ય હકીકત બહાર આવશે.

શા માટે લેવામાં આવે છે TATની પરીક્ષા..
જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં B.ed. થયેલા વિદ્યાર્થીઓ જેને માધ્યમીક શાળામાં ધોરણ ૯ અને ૧૦માં શિક્ષક તરીકે ભરતી થવું હોય છે, તે પહેલા પસંદગી પ્રક્રીયાના ભાગરૂપે રાજયસરકારના શિક્ષણ વિભાગ દ્વારા TATની પરીક્ષા લેવામાં આવે છે,આમ જોઈએ તો આ TATની પરીક્ષા માધ્યમીક અને ઉચ્ચ માધ્યમીક કક્ષાએ લેવામાં આવતી હોય છે.પરંતુ ગઈ કાલે લેવામાં આવેલ પરીક્ષા માત્ર માધ્યમીક એટલે કે ધોરણ ૯ અને ૧૦ના શિક્ષકોની ભરતી માટેની જ પરીક્ષા હતી.તેવી માહિતી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારી ડુમરાળીયાએ Mysamachar.in સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું.

રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેન શું કહે છે.?
જામનગર ગઇકાલે લેવાયેલ TATની પરીક્ષા દરમ્યાન સમય પહેલા જ પરીક્ષા પેપરનું સીલ તોડવા મામલે ભારે હોબાળો મચી ગયા બાદ સ્થળ સંચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે,ત્યારે આ મામલે રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેન પ્રફુલભાઇ જલુએ મીડિયાને જણાવ્યુ હતું કે, પેપર લીક થયું નથી પરંતુ જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ સ્થળ સંચાલક દ્વારા પેપરનું સીલ વહેલાસર ખોલવામાં આવ્યું છે.જેથી જે તે સ્થળ સંચાલકની જવાબદારી નક્કી કરી પોલીસ પગલા લેવા સુધીના નિર્ણય લેવાયો છે અને સ્થળ સંચાલક દ્વારા આવું કરીને કોઈ પણ વિદ્યાર્થીને લાભ આપવામાં આવ્યો હશે તે માન્ય ગણાશે નહીં અને આ પરીક્ષા ફરીથી લેવામાં આવશે નહીં તેવું જણાવ્યુ હતું.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.