Mysamachar.in-અમદાવાદ:
પાંચ વર્ષ અગાઉ કોરોના ત્રાટકેલો. આ ભયાનક રોગે કરોડો લોકોને શારીરિક રીતે ‘તોડી’ નાંખ્યા છે. કોરોના પછીની જે અસરો કરોડો દર્દીઓમાં જોવા મળે છે તેમાં હાર્ટએટેકનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત કરોડો લોકોના ફેફસાં, લીવર અને મગજ ઉપર પણ ગંભીર અસરો દેખાઈ રહી છે.
અમેરિકામાં કેન્સર કેર એન્ડ હેલ્થ પોલિસી ક્ષેત્રમાં ગુજરાતના ડો. કશ્યપ પટેલનું નામ પ્રખ્યાત છે. એમના કહેવા અનુસાર, જે કરોડો લોકોએ કોરોનાનો રોગ સહન કર્યો છે, એમના હ્રદય-મગજ અને ફેફસાં તથા લીવર પર લાંબા ગાળાની અસરો ગાઢ રીતે જોવા મળી રહી છે. આ ઉપરાંત આ કોરોના ઈફેકટના કારણે જટિલ પ્રકારના અને ભાગ્યે જ જોવા મળતાં કેન્સરના કિસ્સાઓ પણ વધી ગયા.

કોરોના ઈફેકટના કારણે ઘણાં લોકોને ફેફસાં પર સોજો આવી રહ્યો છે, ફેફસાંમાં પાણી ભરાઈ રહ્યું છે. લીવર પર સોજો આવી રહ્યો છે. રેર કેન્સરની અસરો દેખાઈ રહી છે. મગજ પર અસરોને કારણે મેમરી લોસ ઉપરાંત સાજા સારાં દેખાતાં લોકોને અચાનક હાર્ટએટેક આવી જવો- આ પ્રકારના અસંખ્ય દર્દીઓ ઉમેરાઈ રહ્યા છે.
ડો. કશ્યપ પટેલ કહે છે: કોરોના પછીની હાલની સ્થિતિઓમાં માણસે સ્વસ્થ રહેવા મેડિટેશન, ચાલવાની કસરત અને જીવનમાં હાસ્ય ઉમેરવું જોઈએ. જો તમારો મૂડ કોઈ કારણસર સ્વિંગ રહેતો હોય તો પણ, તમારે શરીરની તબીબી ચકાસણીઓ કરાવવી જરૂરી. અશક્તિ અને થાક જેવી બાબતોને પણ ગંભીર રીતે જોવી જોઈએ. આજની સ્થિતિઓમાં સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે લોકોએ ખૂબ જ કાળજી રાખવાની આવશ્યકતાઓ છે. ભારતમાં લોકોએ હળદર અને અશ્વગંધા જેવી ચીજોનો ઉપયોગ સલાહ લઈને વધારવો જોઈએ. લોકોએ સ્વસ્થ રહેવા સતત ઘરગથ્થુ ઉપાયો અજમાવવા જોઈએ અને વધારવા જોઈએ, એમ ડો. કશ્યપ પટેલ ઉમેરે છે.
