Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
જામનગર બાદ ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસએ જાણે કાળો કહેર વર્તાવ્યો હોય તેમ અવિરત રીતે વધતા જતા નવા પોઝીટીવ કેસથી ભારે મુશ્કેલી સર્જાઇ રહી છે. છેલ્લા દિવસોમાં દરરોજ નોંધાતા દોઢથી બે ડઝન જેટલા નવા પોઝિટિવ દર્દીઓથી હવે ખંભાળિયામાં આવેલી તમામ કોવિડ હોસ્પિટલ દર્દીઓથી ભરચક થઇ ગઇ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની પરિસ્થિતિ હાલ રાજ્યના અન્ય જિલ્લાઓ જેવી થઈ રહી છે.
ખંભાળિયાની સરકારી હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલમાં બેડ હાલ પ્રાપ્ય નથી. આટલું જ નહીં, કોરોનાની ગંભીર અસર ધરાવતા દર્દીઓ માટે ઓક્સિજન કે વેન્ટિલેટર પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, અન્ય શહેરોમાં કોરોના દર્દીઓ માટે બેડ મળતા ન હોવાથી અનેક દર્દીઓ હાલ ખંભાળિયામાં સારવાર લઇ રહ્યા છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં ખંભાળિયા સહિત જિલ્લાના દર્દીઓ સારવાર માટે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મોટી સંખ્યામાં દર્દીઓ તબીબનો સંપર્ક કરી, હોમ આઈસોલેટ થયા છે.
આટલું જ નહીં, શહેરમાં સીટી સ્કેન સેન્ટર પણ એક જ હોય, આ સેન્ટરમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ કોરોના અંગે સીટી સ્કેન માટે આવે છે. આ સ્થળે હાલ સીટીસ્કેન માટે ચારથી પાંચ કલાક જેટલું લાંબુ વેઇટિંગ હોવાનું પણ જાણવા મળેલ છે. હાલની ઋતુમાં તાવ-શરદીના રોગે પણ માથુ ઉંચક્યું હોય, લોકોમાં ફફડાટ સાથે ચિંતાની લાગણી જોવા મળી રહી છે. અહીંની સરકારી હોસ્પિટલ તેમજ મોટાભાગના તમામ ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. કોરોના મહામારીમાં ખંભાળિયાની પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે લોકોના જરૂરી સાથ સહકાર સાથે તંત્ર દ્વારા પણ તાકીદે જરૂરી પગલાં લેવામાં આવે તે બાબતને ઈચ્છનીય ગણાવાઈ રહી છે.