Mysamachar.in-ખેડા:
આ અગાઉ થોડા મહિનાઓ પૂર્વે ખેડા જિલ્લામાં આયુર્વેદિક માનવામાં આવતું સિરપ પીધાં બાદ 5 લોકોના મોત થયા હતાં. આ બનાવની યાદ તાજી થઈ છે. મૃતકોના પરિવારજનો કહે છે કે, આ ત્રણેય નશાખોરોએ દેશી દારૂના એક જ અડ્ડા પરથી દારૂ પીધો હતો. બુટલેગરની અટકાયત કરી લેવામાં આવી છે અને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવી રહ્યું છે, જો કે સત્તાવાર જાહેર થયું છે કે આ લઠ્ઠાકાંડ નથી.
આ મામલો નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં આવેલા દેશી દારૂના એક અડ્ડા સાથે સંકળાયેલો છે. આ સ્થળેથી દેશી દારૂ પીનારા શખ્સો પૈકી 3 ના મોત થયાનું જાહેર થયું છે. આ ત્રણેય મોત દારૂ પીધાના અડધા કલાકમાં જ થયા છે. જો કે પોલીસનો FSL રિપોર્ટ કહે છે, આ બનાવમાં દારૂમાં મિથેનોલ આલ્કોહોલની હાજરી મળી આવી નથી. પરંતુ સ્થાનિક લોકો આ ઘટનાને લઠ્ઠાકાંડ તરીકે જોઈ રહ્યા છે. જેને કારણે ખળભળાટ મચી ગયો છે.

આ કાંડમાં મોતને ભેટેલા 3 નશાખોરોના નામો યોગેશ કુશવાહ, રવિન્દ્ર રાઠોડ અને કનુ ચૌહાણ જાહેર થયા છે. ત્રણેય મૃતદેહોના પોસ્ટમોર્ટમની કામગીરીઓ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં થઈ રહી છે. પોલીસે ઝડપી લીધેલો બુટલેગર આ વિસ્તારમાં ‘ગલીયો’ તરીકે કુખ્યાત છે. અત્રે ઉલ્લેખનિય છે કે, અન્ય શહેરો માફક નડિયાદમાં પણ દેશી દારૂનું અનિષ્ટ દાયકાઓથી છે. નડિયાદ શિક્ષણનગરી તરીકે પણ જાણીતી છે. અહીં ભૂતકાળમાં કિડની કૌભાંડ પણ જાહેર થયેલું.