Mysamachar.in-જામનગર:
જામનગરના જુદાજુદા વિસ્તારોમાં નદીને પ્રદૂષિત કરવામાં આવી રહી છે. પ્રદૂષિત નદી નાગરિકોના આરોગ્ય અને જિંદગીઓ સામેનું મોટું જોખમ છે, આમ છતાં સંબંધિત તંત્રો માત્ર ‘સરકારી’ પધ્ધતિએ કામગીરીઓ કર્યાનો દેખાડો કરી રહ્યા છે અને કસૂરવાર ઉદ્યોગોને દંડવાને બદલે હાથ જોડી વિનંતી કરી રહ્યા છે !
અમદાવાદ, સુરત, રાજકોટ અને જેતપુર જેવા શહેરોમાં જોવા મળે છે કે, પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોના એકમો સીલ કરી દેવામાં આવે છે, આવા યુનિટ્સને તાળા લગાવી દેવામાં આવે છે. જામનગરમાં કસૂરવારો વિરુદ્ધ કયારેય આકરી કાર્યવાહીઓ થતી નથી.
જામનગરની નદીમાં વર્ષોથી ભયાનક અને ઝેરી પ્રદૂષણ ઠાલવવામાં આવી રહ્યું છે. ગંદકી પણ ઠલવાઈ રહી છે. લોકમાતાની આબરૂનું ચીરહરણ થઈ રહ્યું છે. છતાં, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને મહાનગરપાલિકા- બંને તંત્ર મૂંગા ! એમાંયે મહાનગરપાલિકા તો ખુદ નદીને પ્રદૂષિત કરી રહી છે !!
નદીનું પ્રદૂષણ ભૂગર્ભજળ મારફતે નગરજનોના આંતરડા દ્વારા છેક લોહી સુધી પહોંચી ચામડીના રોગ સહિત અનેક રોગ પેદાં કરી રહ્યું છે, આમ છતાં જામનગરમાં પ્રદૂષણને કયારેય ગંભીર લેખવામાં આવ્યું નથી. બીજી તરફ તંત્રો ઝાડવા વાવવામાં પર્યાવરણ શુધ્ધ બનાવ્યાનું ગૌરવ અનુભવે છે.
પ્રદૂષણ બાબતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પ્રેસનોટ બહાર પાડી…
જામનગરની નદીના પ્રદૂષણ સંબંધે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી લેખિતમાં કહી રહી છે: અનેક (ઔદ્યોગિક) એકમો દ્વારા ઔદ્યોગિક ગંદા પાણીનો નિકાલ સીધો GIDC ગટરોમાં અથવા બહાર ખુલ્લામાં કરવામાં આવી રહ્યો છે. (અહીં તંત્ર એમ નથી લખતું કે, આ પ્રદૂષિત પાણી નદીના પાણીને ઝેરી બનાવે છે) તંત્ર એકમો બંધ કરાવવાની કાર્યવાહીઓ તાત્કાલિક કરી રહ્યું છે.
આ ઉપરાંત તંત્રએ અમુક કારખાના ભાડે ચાલતાં હોવાનો મુદ્દો આગળ ધરી, આવા બાંધકામના માલિકોને જવાબદારીઓ સમજવા વિનંતી કરી છે. સૂચનાઓ આપી છે. ટૂંકમાં, સતાઓ હોવા છતાં તંત્ર ત્રાટકવાને બદલે કસૂરવાર ઔદ્યોગિક એકમોની સામે હાથ જોડી રહ્યું છે ! પ્રદૂષણથી વેદના અનુભવી રહેલાં નગરજનોની લાગણીઓ એવી છે કે, તંત્ર આકરી કાર્યવાહીઓ કરી દાખલો બેસાડે અને લોકોના આરોગ્ય તથા જિવનના દુશ્મનોને સીધા દોર કરે, કસૂરવાર ઔદ્યોગિક એકમોને તાળાં લગાવી દયે. અહીં પ્રશ્ન એ પણ છે કે, તંત્ર આટલી હિંમત દેખાડી શકે ?(ફાઈલ તસ્વીર)


