Mysamachar.in:રાજકોટ
સહારા નામ આખા દેશમાં પ્રખ્યાત પણ છે અને કુખ્યાત પણ છે. તાજેતરમાં સહારા ઈન્ડિયાના બોસ સુબ્રતો રોયનું અવસાન થયું. સહારા કંપની જામનગરમાં પણ મોટી જમીનો ધરાવે છે અને વિવિધ પ્રકારના કેસકબાડાં પણ ચાલી રહ્યા છે. થોડાં દિવસો પહેલાં પણ સહારાની જામનગર જમીન મામલે એક જાહેરાત આવેલી, તેમાં જે પાર્ટીનું નામ હતું તે શખ્સ આરોપી તરીકે મુંબઈથી ઝડપાયો હોવાનું જાહેર થયું છે.
સૂત્રોએ એવું જાહેર કર્યું છે કે, સહારા ઈન્ડિયા કોમર્શિયલ કોર્પોરેશન લિ.ની જામનગર ખાતેની જમીનના કથિત વિવાદમાં ગુજરાતની વડી અદાલતમાં નોટરી કરારમાં ચેડાં કરી પક્ષકાર બનવા અરજી કરનાર આરોપી સ્મિત કનેરિયા સામે ગત્ 11મીએ CID ક્રાઈમમાં ગુનો દાખલ થયો હતો. બાદમાં આરોપી વિરુદ્ધ લુક આઉટ સરકયૂલર નોટિસ પણ જાહેર થઈ હતી. આ આરોપી મુંબઈથી પકડાયો હોવાની જાહેરાત થઈ છે.
જામનગરમાં આ વિવાદિત જમીનનું ક્ષેત્રફળ 142 એકર છે. તેના વેચાણ વ્યવહાર કરવા રાજકોટના દેવ ઈન્ફ્રાના ભાગીદાર સ્મિત પરસોતમભાઈ કનેરિયા સાથે કરાર થયા હતાં. તેણે આ મામલામાં આર્થિક લાભ લેવા નોટરીકરારમાં ચેડાં કર્યા છે, નોટરીના બોગસ સહીસિક્કા થયા છે, એવી ફરિયાદ થયેલી. સહારા ઈન્ડિયાના ઓથોરાઈઝડ વ્યક્તિ મયંક શાહે જેતે વખતે આ વિગતો જાહેર કરેલી. છેતરપિંડીનો આ મામલો આગામી દિવસોમાં વધુ ચકચારી બનશે કેમ કે, એક તો આ વિવાદિત જમીનનું ક્ષેત્રફળ મોટું છે. બીજું, જમીનોના ભાવ હાલ આસમાને છે અને ત્રીજું સહારા ઈન્ડિયાના બોસનું હમણાં અવસાન થયું છે એટલે દેશભરમાં કંપની હસ્તકની જમીનો અને મિલકતોના વિવાદો સપાટી પર આવવા સંભવ છે.