Mysamachar.in-આણંદ
હજુ તો જામનગર મહિલા પોલીસ મથકના મહિલા પીએસઆઈ અને ડ્રાઈવર ઝડપાયાને સપ્તાહ પણ માંડ થયું છે, ત્યાં વધુ એક કોન્સ્ટેબલ વતી 50,000 ની લાંચ લેતા વચેટીયો ઝડપાઈ ગયો છે, આણંદ જીલ્લાના પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે સોગંદનામું કરનાર યુવતી અને તેના વકિલ સામે ગુનો ન નોંધવા રૂ.એક લાખની લાંચ માંગી હતી. બાદમાં સેટલમેન્ટ થતાં રૂ.50 હજારની ડીલ થઇ હતી. આ અંગે એસીબીમાં ફરિયાદ કરતાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જો કે આ કેસમાં હાલ માત્ર વચેટીયો ઝડપાયો છે જયારે કોન્સ્ટેબલને એસીબીની ટ્રેપની ગંધ આવી જતા તે ફરાર થઇ ચુક્યો છે,
પેટલાદના યુવકે સ્થાનિક યુવતી સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં.જે બાબતે યુવતીના પિતાએ પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં યુવક અને યુવતી સામે અરજી કરી હતી. લગ્ન રજીસ્ટર કરવા માટે યુવતીએ રજુ કરેલા સોગંદનામામાં અગાઉ કરેલ લગ્નનો ઉલ્લેખ કર્યો નહોતો.જેથી ખોટું સોગંદનામું કરવા બદલ યુવક, યુવતી અને સોગંદનામું કરનાર વકિલ વિરૂદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. કોન્સ્ટેબલ મહિપતસિંહ પ્રવિણસિંહે આ ગુનો ન નોંધવા માટે રૂ. એક લાખની લાંચ માંગી હતી. યુવક સાથે લાંચ બાબતે આનાકાની કરતા રૂ.50 હજારમાં ડિલ નક્કી થઇ હતી. આ બાબતે યુવકે એસીબીમાં ફરિયાદ આપતાં છટકુ ગોઠવવામાં આવ્યું હતું.
જેમાં યુવક લાંચના નાણા રૂ.50 હજાર લઇને 1લી જુલાઇના રોજ પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે કોન્સ્ટેબલ મહિપતસિંહ પ્રવિણસિંહ પાસે ગયાં હતાં. બન્ને ટાઉન પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ભેગા થયાં હતાં. મહત્વનું છે કે કોન્સ્ટેબલ મહિપતસિંહે લાંચના નાણા ત્યાં હાજર ખાનગી વ્યક્તિ રાહુલ રામજી રબારીને આપવા જણાવ્યું હતું.જેથી યુવકે નાણા વચેટિયા વ્યક્તિ રાહુલને આપતા જ એસીબીએ તેને તુરંત ઝડપી લીધો હતો. જો કે કોન્સ્ટેબલ હજુ મળી આવ્યો નથી.