Mysamachar.in-આણંદ
રાજ્યમાં વધુ એક જીવલેણ અકસ્માતમાં એક જ પરિવારના બે પિતરાઈ ભાઈ અને એક બાળકનું કમકમાટીભર્યું મોત નીપજયાની ઘટના સામે આવી છે, ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કણજરી તાબે લક્ષ્મીપુરા મુકામે રહેતા ચંદુભાઈ પરમારનો દીકરો હરેશ પરમાર, તેમના ભાઈ રઈજીભાઈ પરમારના દીકરો જયેશ પરમાર તથા જયેશભાઇનો દીકરો હર્ષ બાઇક ઉપર સવાર થઈ સમારખા ગામે આવેલા ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરી પાછા આવતી વેળાએ નેશનલ હાઇવે નં:8 ઉપર રાવળપુરા-બોરિયાવી વચ્ચે બાજુ રોડ ઉપર ગફલતભરી રીતે ધસમસતા જતા ટેન્કરે આ બાઈકને ભયંકર ટક્કર મારતાં જીવલેણ અકસ્માત થયો હતો.
આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ બે સગા કાકાના દીકરા જયેશભાઇ અને હરેશભાઇ તેમજ જયેશભાઇના દીકરા હર્ષના કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. આ ગમખ્વાર ઘટનાને લઈ ગામમાં ગમગીની અને શોકમય માહોલ વ્યાપી ગયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ માર્ગે ધસમસતી જતી ટ્રક ટેન્કરના ચાલકે પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી હતી અને આગળ જતાં બાઇક ઉપર જતા હરેશકુમાર ચંદુભાઇ પરમાર, જયેશકુમાર રઇજીભાઇ પરમાર તથા હર્ષ જયેશકુમાર પરમારના બાઇકને પાછળથી જીવણેલ ટક્કર મારી પાડી દીધા હતા. ત્રણેયને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનાં સ્થળ પર જ મોત નીપજ્યાં હતાં.