Mysamachar.in-નવસારી:
રાજ્યમાં દિવસે ને દિવસે ગંભીર અકસ્માતોની ઘટનામાં સતત ને સતત વધારો થઇ રહ્યો છે જેની સામે રાજ્યનો પોલીસ કે વાહનવ્યવહાર વિભાગ યોગ્ય કાર્યવાહી કરવામાં નબળો પુરવાર થઇ રહ્યો છે, હાઈવે પર બેફામ સ્પીડ મોતને નોતરે છે.ત્યારે આજે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના રાજ્યમાં સામે આવી છે જેમાં 9 લોકોએ મહામુલી જિંદગી ગુમાવી છે.
આ અંગે જે વિગતો મળી રહી છે તે મુજબ નવસારી જિલ્લામાં આજે વહેલી સવારે ગોઝારો અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં વર્ષનો છેલ્લો દિવસ 9 લોકો માટે જીંદગીનો છેલ્લો દિવસ બની ગયો હતો. વલસાડથી ભરૂચ જતી ફોર્ચ્યુંનરના ચાલકને ઝોકુ આવી જતા કાર ડીવાઈડર કુદી ગઈ હતી અને અમદાવાદના બસ સાથે જોરદાર રીતે અથડાઈ હતી. જેથી બસના ચાલકને હાર્ટ એટેક આવી ગયો હતો. આ અકસ્માતમાં ફોર્ચ્યુંનરમાં સવાર 9 પૈકી 8 લોકોના તેમજ બસમાં સવાર એક મુસાફરનું મોત થતા કુલ 9 લોકોના મોત થયા હતા. જ્યારે 30 જેટલા લોકોને ઈજા પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
અકસ્માત એટલો ગંભીર હતો કે લક્ઝરી બસ સાથે કાર અથડાતાં દરમિયાન બસના ડ્રાયવરને પણ હાર્ટ-એટેક આવ્યો હતો.
ફોર્ચ્યુનરમાં સવાર મૃતક યુવાનો અંકલેશ્વરની પ્રો લાઈફ કેમો ફાર્મા નામની કંપનીના કર્મચારી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. કારમાં સવાર એકને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે.
મૃતકોના પૂરા નામ
-નીતિન ઘનશ્યામ પાટીલ, ઉ. 30, ભરૂચ ફોર્ચ્યુનરનો ડ્રાઈવર
-જયદીપ કાંતિભાઈ પેથાણી, ઉ. 25, ભાદાજાળીયા, ધોરાજી, રાજકોટ
-જયદીપ કાળુભાઇ ગોધાણી, ઉ. 24, નાની પીડાખાઈ, વિસાવદર, જૂનાગઢ
-ધર્મેશ પ્રકાશભાઈ શેલડિયા, ઉ. 24, ગુંદાળા, રાજકોટ
-જગદીશ રસિકભાઈ દુધાત, ઉ. 35, પ્રજવિલા બંગલો, અંકલેશ્વર, ભરૂચ
-મયુરકુમાર ધીરૂભાઈ વવૈયા, ઉ. 23, ચોરા પાસે, ઝાંઝેછર, જાંબુડા, જૂનાગઢ
-નવનીત મોહનભાઈ ભદીચદરા, ઉ. 39, નાયવર નગર, નાના વરાછા, સુરત
-પ્રજ્ઞેશ રણછોડ વેકરીયા, ઉ. 23, પાણીની ટાંકી, રબાકીયા, રાજકોટ
-ગણેશ મોરારભાઇ ટંડેલ, રામનગર, કોલક ગામ, વલસાડ