Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
રાજકોટ અમદાવાદ હાઈવે પર વધુ એક ગોજારી અકસ્માતની ઘટના ગત મોડીરાત્રીના સામે આવે છે, આ ગમખ્વાર અકસ્માત લીંબડી અમદાવાદ હાઈવે પર કાનપરા ગામના પાટિયા નજીક બન્યો, જેમાં ટ્રક અને જામનગર પાસિંગની XUV કાર નંબર GJ-10-CG-4434 બંધ થયેલ ટ્રકમાં ઘુસી જતા કારમાં સવાર ત્રણ અને ટ્રકના ડ્રાઈવર ક્લીનર મળી કુલ પાંચ લોકોના મોતની ઘટના સામે આવી હતી, જે ત્રણ લોકો કારમાં સવાર હતા તે તમામ દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્યમથક ખંભાળિયાના રહીશ હતા, અને ત્રણેય બીમારીના કામ સબબ અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે આ કરુણ ઘટના સર્જાઈ હતી,
અકસ્માતમાં મોતને ભેટનાર મૂળ ભાતેલ ગામના અને હાલ ખંભાળિયા તાલુકા પંચાયત નજીક રહેતા રાજગોર બ્રાહ્મણ કલ્યાણજીભાઈ વોરિયા તેમના પત્ની કંચનબેન અને પુત્ર ભરતનું મોત નીપજતા ખંભાલીયાના વિપ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, મૃતક કલ્યાણજીભાઈ પ્રખર કર્મકાંડી બ્રાહ્મણ હતા અને તેવો રાજ્યમંત્રી હકુભા જાડેજાના ગોર પણ હતા અને તેમની અધ્યક્ષતામાં જ તેવો અનુષ્ઠાન કરતા હોવાનું પણ સામે આવે છે, આમ એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી ખંભાળિયા પંથકમાં પણ અરેરાટી વ્યાપી જવા પામી છે.