Mysamachar.in-વડોદરા
વડોદરા પાસે આવેલ ફર્ટીલાઇઝર બ્રિજ પાસે વહેલી સવારે અમદાવાદથી સુરત જતું ટ્રેલર આગળ જતાં ટ્રકમાં ધડાકાભેર ઘૂસી જતાં બંને વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં ટ્રેલરના કેબિનમાં ફસાઇ ગયેલા ટ્રેલર ચાલક સહિત બે વ્યક્તિઓને ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા ટ્રેલર ચાલકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના બનાવને પગલે થોડા સમય માટે ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો.
આગળ જતી ટ્રકમાં પાછળથી ધડાકા સાથે ટ્રેલર ઘૂસતા ભટકાયેલા ટ્રેલરના કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત સર્જાતાની સાથે જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને ટ્રેલરના કેબિનમાં ફસાયેલા ડ્રાઇવર-ક્લિનરને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, સ્થાનિક લોકોથી નીકળતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તુરત જ ફાયર સ્ટાફ સ્થળ પર દોડી ગયા હતા. અને ટ્રેલરમાં ફસાયેલા ટ્રેલર ચાલક અને ક્લિનરને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા.